પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૦૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

નથી. એનું મન ગુરુદેવને પ્રશ્ન કરી ઊઠે છે, ‘અરે ગુરુદેવ ! પાયો સારો, રંગમંડપ સારો, ઝરૂખો ને બારીઓ સારી અને શિખર આટલુ ભયંકર કેમ ? શું મહાન તાંત્રિક માટે આ અનિવાર્ય છે.’ (પૃ. ૮૫, ભા. ૧). અવિજેયતાની આવી કસોટી જ એને મંજૂર નથી. એનું મન પોકારી પોકારીને કહે છે, ‘ના ગુરુજી ! એ અંબુજા છે, નિષ્કલંક નારી છે, એના અંગોને સ્પર્શ કરતાં મારું મન કંપારી અનુભવે છે.’ (પૃ. ૮૫, ભા. ૧) પોતાની બહેનનાં અંગોની આવી પૂજા કરતાં ખુદ દર્પણ પણ એક ક્ષણ કંપે છે, પોતાના બંને શિષ્યોની હાલત મહાગુરુને મૂંઝવે છે. કાલકની અસ્થિરતા જોઈને ગુરુ દર્પણ પણ પોતાના હાથમાંથી સરી ન જાય માટે એની આ નિર્બળતાને ચલાવી લે છે.

પછી આરંભાય છે મહાચક્ર પૂજા – આ પૂજા માટે પુરુષોના હાથમાં લાલ રૂમાલ છે અને સ્ત્રીના હાથમાં નીલી કંચુકી. સામે બે ચક્ર ચાલે છે. પુરુષો કંચુકીવાળા ચક્ર પાસે ઊભા રહે અને ચક્ર દ્વારા પગ પાસે ફેંકાતી કંચુકીને ગ્રહણ કરે અને સ્ત્રીઓ લાલ રૂમાલવાળા ચક્રની પાસે ઊભી રહે ને જે લાલ રૂમાલ એના પગ પાસે પડે તે ઊંચકી લે. જેની પાસે જેનો લાલ રૂમાલ હોય અને જેની પાસે નીલ કંચુકી હોય એ બંને એકબીજાનાં પુરુષ-પ્રકૃતિ. આ પૂજા દરમિયાન સર્વ કોઈ પુરુષ પુરુષ છે, અને સ્ત્રી સ્ત્રી છે. સંસારના કોઈ સંબંધો ભાઈ-બહેન, માતા-પિતા અહીં નથી.

ગુરુદેવની સૂચના થયેથી ચક્ર ફર્યા. રૂમાલ અને કંચુકીની વહેંચણી શરૂ થઈ. પુરુષ અને પ્રકૃતિ એક વિરાટ ખંડ તરફ ચાલ્યાં. આ ખંડના ચાર દિશાના ચાર બારણાં હતાં અને એ બારણાં ઉપવનોની દિશાનાં હતાં. આ ઉપવનોમાં નાના મંડપો અને નાની ગુફાઓ હતાં. સ્ત્રી-પુરુષના યુગલ માટે આનંદપ્રમોદની બધી સામગ્રી ત્યાં હતી. મધ હતું, માંસ હતું, મીન હતી.

મહાચક્રપૂજાના અંતિમ સમયે કોઈને પણ ખબર ન પડે એ રીતે કાલક-સરસ્વતી નાસી ગયાં હતા. એમણે જોયેલું દૃશ્ય, પેખેલી નગ્ન માનવતા તેમનાથી વીસરી વિસરાતી નહોતી. બંનેએ નિર્ણય કર્યો હતો કે પ્રાણાન્ત પણ મહાચકની વિધિમાં સામેલ ન થવું, અનાચારની આ પરબનાં પાણી ન પીવાં. જરૂર પડે તો અમર આત્માના રક્ષણ માટે દેહ પાડી દેવો.