પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૧૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૯૫
 

માટે શિયાળિયાં અંદરોઅંદર લડતા હતા. આ દૃશ્ય આખું પ્રતીકાત્મક છે. પાત્રની મનઃસ્થિતિનો ચિતાર એમાંથી મળી રહે છે. પણ લેખકને તો એની પ્રતીકાત્મકતા વાચક સમક્ષ વાચાળ બનીને વ્યક્ત કર્યા સિવાય જંપ વળતો નથી. લેખક કહે છે : ‘સાબર એ પ્રજાનું રૂપ, શિયાળ એ અમલદારનું રૂપ, વાઘ એ રાજાનું રૂપ.’ (પૃ. ૩૦૭, ભા. ૧) અહીં પ્રતિકને ખુલ્લું કરીને નવલકથાની કલાને લેખક કથળાવી મૂકે છે.

આવી કેટલીક મર્યાદાઓ બાદ કરીએ તો અથવા એ મર્યાદાઓને એ સમયે લખાતી નવલકથાની સ્વાભાવિક પરિસ્થિતિ તરીકે સ્વીકારીએ તો આ નવલકથા બીજી અનેક રીતે આસ્વાદક્ષમ બની છે, એ આપણે જોઈ ગયા. જયભિખ્ખુનું ચિત્ત નવલકથાના આલેખન માટે ‘નવલ’ વિષયવસ્તુનો આગ્રહ રાખતી વેળાએ ઇતિહાસના અંશોને સ્વીકારે છે, પણ એની પસંદગીમાંય લેખકની આગવી દૃષ્ટિનું વિશિષ્ટ પ્રદાન હોય છે, એમ આ નવલકથાનું વિષયવસ્તુ સૂચવી જાય છે. વળી, આલેખન દરમ્યાન એક આર્ષદૃષ્ટાની જેમ તેઓ વિષયવસ્તુને સર્વદેશકાળભોગ્ય બનાવે છે એ પણ અહીં પ્રતીત થાય છે; તેથી ઇતિહાસના અંશો ધરાવતાં કથાનકો પણ સર્જકની વિશેષ પ્રકારની અવધારણાને કારણે ચિરંજીવ સાહિત્યિક મૂલ્યો ધરાવતાં થઈ જાય છે.

ત્રીસેક વર્ષના વિશાળ સમયપટ ઉપર પથરાયેલી આ નવલકથાઓ મોટેભાગે ઐતિહાસિક વસ્તુને વિષય તરીકે પસંદ કરીને રચાઈ છે. એમાં ‘ભગવાન ઋષભદેવ’, ‘ચકવર્તી ભરતદેવ’, ‘રાજવિદ્રોહ’ અને ‘પ્રેમાવતાર’ ભાગ. ૧, ૨માં પુરાકાલીન ઇતિહાસ નિરૂપાયો છે. '‘પ્રેમનું મંદિર’, ‘સંસારસેતુ’, ‘નરકેસરી’, ‘શત્રુ કે અજાતશત્રુ’ ભાગ ૧-૨, ‘કામવિજેતા’ અને ‘લોખંડી ખાખનાં ફૂલ’ ભા. ૧, ૨માં ઈ. સ. પૂ. પાંચમી સદીથી ઈ. સ. ૧૦૦ની આસપાસના સમયનો પ્રાગઔતિહાસિક યુગ કથાનું કેન્દ્ર બન્યો છે; તો ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ'’, ‘દિલ્હિશ્વર’, ‘ભાગ્યવિધાતા’ અગિયારમીથી સોળમી સદીના મુગલકાલીન ઇતિહાસને અને ‘બૂરોદેવળ’ તથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ એ જ સમયના રાજપૂતી ઇતિહાસને આધારે લખાયેલી ઐતિહાસિક નવલો છે. જયભિખ્ખુ પાસેથી ‘દાસી જનમ જનમની, સાથી જનમ જનમના’ એક માત્ર સામાજિક નવલકથા મળે છે.