પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૧૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

છતાં એની ગૂંથણી એવી આકર્ષક છે કે આપણે સતત વાર્તાપ્રવાહમાં ખેંચાયેલા રહીએ છીએ. એ જ રીતે ‘ભક્તકવિ જયદેવ’ કે ‘સંસારસેતુ’ જેવી નવલોમાં તો કોઈ ખંડિત ક્લેવરોમાંથી નવી ઇમારત આબાદ ઊભી કરનારની સર્જક-કુશળતા જયભિખ્ખુ દાખવે છે.

વસ્તુસંકલનમાં આડકથાઓનો ઉપયોગ એ પણ નવલકથાકાર જયભિખ્ખુની વિશેષતા છે. આડકથાનો ઉપયોગ તેઓ ક્યાંક મુખ્ય કથાનકને પુષ્ટ કરવા તો ક્યાંક ઉપદેશને દઢાવવા કરે છે. આવી આડકથાઓ ક્યાંક કથાને આડમાર્ગે પણ લઈ જાય છે. ‘પ્રેમાવતાર’ (પૃ. ૨૯૨, ભા. ૧)માં આવતી આડકથાઓ ક્યાંક ઉપદેશને દૃઢાવે છે કે પછી કથનને સચોટ બનાવે છે. (પૃ. ૩૧૨, ભા. ૧). તો ‘લોખંડી ખાખાનાં ફૂલ’ ભા. રમાંની આડકથાઓ કથાને આડમાર્ગ પણ લઈ જાય છે. (પૃ. ૯ર, ૧૮૩). ‘લોખંડી ખાખનાં ફૂલ’નો આ બીજો ભાગ તો લગભગ આડકથાઓથી ભરેલો છે. આડકથાઓમાંનાં કેટલાંક કથાનકો ઉપરથી જયભિખ્ખુએ કાં તો વાર્તા સર્જી છે, કાં તો નવલકથા; જેમકે ‘નરકેસરી’માં ભગવાન ઋષભદેવનું કથાનક (પૃ. ૧૩૬), મેતારજનું કથાનક (પૃ. ૩૦૪)ને આધારે સ્વતંત્ર નવલકથાઓ સર્જાઈ છે. કેટલીક આડકથાઓ સ્વતંત્ર વાર્તા જેવી છે જેમકે આ જ નવલમાં ધન્ય અણગારનું કથાનક (પૃ. ૩00), શાલિભદ્રનું કથાનક (પૃ. ૧૭૪).

નવલકથાના આલેખનમાં જયભિખ્ખુ વિવિધ પ્રકારની પ્રયુક્તિઓ યોજે છે. વર્ણન, સંવાદ, પ્રત્યક્ષ કથન, ક્યારેક કથક રૂપે કોઈ પાત્રને ઉમેરીને એના દ્વારા કથાનું નિરૂપણ, કથનની સરસતા માટે પદ્યનો ઉપયોગ વગેરે પદ્ધતિઓ એમની નવલોમાં જોવા મળે છે. લેખકની ‘પ્રેમાવતાર’ નવલકથામાં એકસાથે ઘણી બધી નિરૂપણપ્રયુક્તિઓનો સમુચિત પ્રયોગ ધ્યાનાર્હ નીવડે છે. એમાંય તે રાજ્યશ્રીએ સ્વપ્નમાં કરેલ ભારતદર્શન નિરૂપણની એક સુંદર પદ્ધતિનું પરિચાયક બને છે. (પૃ. ૪૯૬, ભા, ૨). કેટલીક વાર કથનની સચોટતા માટે કેટલાક દૃષ્ટાંતરૂપ પ્રસંગો પણ તેઓ વણી લે છે, જેમકે ‘પ્રેમાવતાર’ માં કુંતા દ્વારા ભીમ અને યાદવોના દરબારને સંદેશારૂપે કહેવાયેલી વિદુલા અને તેના પુત્રની દૃષ્ટાંતકથા ભીમને ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ની વાત સચોટ રીતે સમજાવે છે. (પૃ. ૩૮૭, ભા. ૨). જ્યારે