પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૨૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

મંદિર'માં ભગવાન મહાવીરે લાંબા ઉપવાસને પારણે એક દુષ્કર અભિગ્રહ લીધાની ઘટનાનું જે બૌદ્ધિક અર્થઘટન જયભિખ્ખુએ કર્યું છે એ ખરેખર આજના વિજ્ઞાનબુદ્ધિમાં રાચતા માનસને ગળે ઊતરે એવું છે. (પૃ. ૬૮, ૬૯). એ જ રીતે કંસવધ માટેની ભવિષ્યવાણીને પણ નવલકથાકારે 'પ્રેમાવતાર'માં નવા જ અર્થઘટનથી હૃદ્ય બનાવી છે. (પૃ. ૩૮, ભા. ૧). લોખંડી ખાખનાં ફૂલ'માં તો એક કરતાં વિશેષ અર્થઘટનો મળે છે. એમાં પુરાણકાળમાં પ્રચલિત સંજીવની છોડને લેખકે જે રીતે ઓળખાવ્યો છે એ નિરૂપણ ઊંડી વિચક્ષણ તાર્કિક બુદ્ધિશક્તિનો પુરાવો બની રહે છે ! લેખકના મતે 'સંજીવની' એટલે આપણું 'પંચતંત્ર'. આ સંજીવની હિંદના પહાડોમાં મળે.. એ પહાડો તે આપણા વિદ્વાનો અને એમનાં હિતકારી વચનો, જે મૃતકો એટલે કે અજ્ઞાની પુરુષોને જ્ઞાની એટલે અમર બનાવે (પૃ. ૫૭, ભા. ૨). પુરાકલ્પનોનું આવું વૈજ્ઞાનિક અર્થઘટન નવલકથાને એક નવું જ સૌંદર્ય બક્ષે છે.

પોતાની ઐતિહાસિક-પૌરાણિક-સામાજિક નવલોમાં જયભિખ્ખુ ગોવર્ધનરામ, ક. મા. મુનશી, દર્શક વગેરેની જેમ રાષ્ટ્રિય અસ્મિતાના ગાયક રૂપે પણ ઊપસી આવે છે. દેશસુધારની ઝંખના એમના મનમાં પડેલી છે. તેઓ માને છે કે દેશની સુધારણા ત્યારે થાય જ્યારે સમાજ સુધરે અને સમાજ તો જ સુધરે જો ધર્મ સુધરે. આ જ સંદર્ભમાં 'લોખંડી ખાખનાં ફૂલ'માં કાલક મુખે તેઓ પોતાની વાત આમ રજૂ કરે છે : 'જે પ્રજાનો ધર્મ હણાયો એનો દેશ અને સમાજ હણાયેલો જ સમજવો.' (પૃ. ૧૭૯, ભા. ૧). 'શત્રુ કે અજાતશત્રુ'માં જયભિખ્ખુએ વૈશાલી અને મગધના રાજતંત્રની સંઘર્ષકથા રજૂ કરીને એ દ્વારા અર્વાચીન ભારતની પ્રજા સમક્ષ પ્રજાતંત્રના એક મહાન પ્રયોગનું જ દર્શન કરાવ્યું છે. વર્તમાનકાળે ભારતની પ્રજા જ્યારે લોકશાહીના, પ્રજાતંત્રના એક મહાન પ્રયોગમાંથી પસાર થઈ રહી છે ત્યારે આ નવલ દ્વારા જયભિખ્ખુએ રાજતંત્ર અને પ્રજાતંત્રના લાભાલાભ જ કુશળતાથી સમાજને દર્શાવ્યા છે. 'કામવિજેતા'માં પણ શકટાલના મુખે જયભિખ્ખુ રાષ્ટ્રનો અનોખો આદર્શ રજૂ કરે છે. (પૃ. ૧૩૧). ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ” અને 'દિલ્હીશ્વર' એ નવલત્રયી દ્વારા જયભિખ્ખુ 'સુલહ કુન બા ખાસ ઓ આમ – સહુની સાથે મળીને રહો'નો સંદેશ જ રાષ્ટ્રચરણે પ્રસરાવવા માગે છે. આ નવલત્રયી સમાજમાં એવા સમયે આવે છે જ્યારે હિંદુ-મુસ્લિમના ભેદભાવનું વિષ સમાજની રગોમાં ઊંડું ઊતરતું