પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૨૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

લેખકનો હેતુ સમાજમાં પ્રવર્તતા આવા સડા તરફ લાલબત્તી ધરવાનો હોવાથી એ નિરૂપણ અનુચિત જણાતું નથી. વળી જે કાળની નવલ હોય એ કાળના વાતાવરણને યથાર્થ ઉપસાવવા એવું નિરૂપણ જરૂરી હોય તો એમાં કશું ખોટું નથી. કૃતિમાંનું એ નિરૂપણ કૃતિની કલાત્મકતાને કે નીતિમત્તાને ક્યાંય હાનિ પહોંચાડનાર નીવડ્યું નથી.

નવલકથા એ કથનાત્મક પ્રકારનું સાહિત્યસ્વરૂપ હોવાથી વર્ણનોને પણ એમાં અવકાશ મળે છે. જયભિખ્ખુનાં સ્થળ, સ્વરૂપ અને મનોસંઘર્ષના વર્ણનો ઉલ્લેખનીય બન્યાં છે. આ વર્ણનો એમાંની વિગતસભરતા, સૂક્ષ્મ અવલોકનશક્તિ, ચિત્રાત્મકતા વગેરેને કારણે સચોટ અને ગ્રાહ્ય નીવડ્યાં છે. નવલકથાના ઐતિહાસિક વાતાવરણને ઉપસાવવામાં જયભિખ્ખુની વર્ણનકલાએ સારો ફાળો આપ્યો છે. પાત્રનાં રૂપવર્ણન ઘણી વાર જયભિખ્ખુની ઊંચી સૌંદર્યદૃષ્ટિનું દર્શન કરાવે છે. 'કામવિજેતા'માં રૂપકોશાનું વર્ણન, ‘દિલ્હીશ્વર'માં ચિંતામણિનું વર્ણન અને ‘ભક્તકવિ જયદેવ'માં પદ્માનું વર્ણન નવલકારમાં રહેલી સૌંદર્યદૃષ્ટિ સાથે કવિદ્રુષ્ટિનાં પણ દ્યોતક બને છે. પ્રકૃતિવર્ણનોમાં ક્યાંક કવિત્વની છાંટ ભળી ચિત્રમય સૌંદર્યદૃશ્યને ઉપસાવી આપે છે. (‘કામવિજેતા', પૃ. ૨૮૨). પાત્રોનો મનોસંઘર્ષ પણ વર્ણનાત્મક ઢબે લેખકે ઘણે સ્થળે નિરૂપ્યો છે.

વિવિધ નવલોમાં જયભિખ્ખુની ભાષાશૈલી સરળ, વિશદ, પ્રવાહી અને ચોટદાર છે. ટૂંકા અને છતાં ધારદાર ચિંતનાત્મક વાક્યો જયભિખ્ખુના ગદ્યને સર્જનાત્મક લય બક્ષે છે. જયભિખ્ખુ કવિ નથી છતાં એમનો જીવ કવિનો છે એ વાતની પ્રતીતિ કરાવતાં કલ્પનો, અલંકારો અને સૂત્રાત્મક વાક્યોની વણઝાર ‘કામવિજેતા', 'ભગવાન ઋષભદેવ' તથા 'ભક્તકવિ જયદેવ’ - 'પ્રેમાવતાર' વગેરે નવલોમાં જોવા મળે છે. નવલકથામાં વ્યાસશૈલીને માટે વધારે ગુંજાઈશ હોવા છતાં નાટક તેમ વાર્તા બંને કરતાં સાદી, સરળ શૈલીને પણ ફેલાવી શકાય છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જયભિખ્ખું 'કામવિજેતા'માં પૂરું પાડે છે. 'વિક્રમાદિત્ય હેમુ'માં ટૂંકા અને કાવ્યાત્મક સ્પર્શવાળાં વાક્યો, ઉર્દૂ અને સંસ્કૃતમિશ્રિત શબ્દ પ્રયોગો, રસળતી પ્રવાહી ગતિ, કાવ્યમય ગદ્યથી ભર્યું ભર્યું 'બુલબુલનું રુદન' (પૃ. ૨૨૩) પ્રકરણ ગદ્યના એક આગવા મિજાજને પ્રગટ કરે છે. એ જ રીતે ‘દિલ્હીશ્વર'માંનું 'ભૂતિયો વડ” (પૃ. ૭૭) હિંદુસમાજના વહેમ, અંધશ્રદ્ધા