પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૩૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

અંધકારમાં અટવાયેલા એક તેજસ્વી મોતી પીરઅલીના દેશપ્રેમને વર્ણવે છે. એક સામાન્ય બુકસેલરે પુસ્તક વેચતા વેચતાં વાચન કરીને સ્વાતંત્ર્યપ્રાપ્તિની ઝંખનાની એવી જ્યોત જગાવી જેણે ૧૮૫૭નું બળવારૂપ મેળવ્યું. ‘ગાંદીવાદની શાન’ માનવતાના ઘોડા પર જિંદગીના દાવ ખેલી જનાર ‘ભાઈસાહેબ’ની સાચી ગાંધીવાદી શાનને વર્ણવે છે. ‘કેસરિયો સિપાહી’ રાજને માટે રણમેદાનમાં જાનફેસાની કરનાર એક શહીદ સિપાહીની કથા વર્ણવે છે તો ‘દેશભક્ત પારસી વીર’ વિલીન થતી દેશી સત્તાને ટકાવવા મથતા પૂનાના એક પારસી ખુરશેદજી જમશેદજી મોદીની અબોલ છતાં અણણોલ શહીદીને વાર્તારૂપ આપે છે. ભારતીય પ્રજાનું ભોળપણ, ભારતના જ માણસોનો હાથા તરીકે ઉપયોગ કરી ભારતને સર્વનાશ તરફ ધકેલનાર અંગ્રેજોની પ્રપંચલીલાનું કલાત્મક ચિત્ર આ વાર્તામાં મળે છે. લેખક કહે છે, ‘સત્તાવનનો બળવો અમને શૌક્તનો પણ લાગ્યો છે, ને આપણી લાજશરમને પણ લાગ્યો છે. જ્યાં અપૂર્વ વીરત્વ નજરે પડ્યું છે ત્યાં ઘોર સ્વાર્થાંધતા પણ નજરે પડી છે.’ (પ્રવેશ, પૃ. ૭). વાર્તામાં ખુરશેદજીની શહીદીમાં અપૂર્વ વીરત્ત્વ અને ગંગાધર શાસ્ત્રીની સ્વાર્થાંધતામાં આપણી શરણ જોવા મળે છે.

જયભિખ્ખુને અંગ્રેજો સદા શત્રુ લાગ્યા નથી. એમના મતે આ ધર્મપ્રેમી દેશને રાષ્ટ્રપ્રેમની ભેટ એ અંગ્રેજો દ્વારા મળેલી બક્ષિસ છે. ‘સાચા રાષ્ટ્રપ્રેમી’માં લેખકે આ પ્રજામાં રહેલી સાચી રાષ્ટ્રીય ભાવનાને બિરદાવી છે. લખનૌને જીતવા માટે નીકળેલા જનરલ નીલ, હેવલોક અને ઔટ્રામની પોતાનાં માન-અપમાનને, નિજી હિતને રાષ્ટ્રહિત સમક્ષ ગૌણ ગણવાની ભાવનાએ છેવટે રાષ્ટ્રીય ઐક્યનું કેવું દર્શન કરાવ્યું તેનું નિરૂપણ છે. અહીં લેખકે અંગ્રેજોની રાષ્ટ્રીય ભાવનાની બિરદાવલી ગાઈ છે પણ એ દ્વારા સૂચવવું તો એ જ છે કે જ્યારે વિશાળ હિતની રક્ષા કરવાની હોય ત્યારે નાનાં હિતોએ પોતાનો સ્વાર્થ ત્યજવો જોઈએ. માન-અપમાનના ખ્યાલો કોરાણે મૂકવા જોઈએ. વ્યક્તિગત હિતાહિતે સાર્વજનિક ફરજમાં દખલ ન કરવી જોઈએ એવો સંદેશ આપતી આ વાર્તા એમાં નિરૂપાયેલા ધ્વનિની દૃષ્ટિએ નોંધપાત્ર છે.

માનવીની જેમ પશુને પણ પોતાની જનમભોમનું કેવું આકર્ષણ હોય છે, એની યાદ, એની ભાષા એને ગાંડપણમાંથી શાણપણ તરફ કઈ રીતે