પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૩૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૨૩
 

લઈ જાય છે તે વર્ણવતી ગાંડા હાથીની વાર્તા ‘જનમભોમની પ્રીત’ પશુમાં રહેલા સ્વદેશપ્રેમને વર્ણવે છે. તો રશિયાના મહાન લેખક દોસ્તોવસ્કી - જેને લેખક ડેસ્ટોવસ્કી તરીકે વર્ણવે છે તે – ના વ્યક્તિચિત્ર સમી ‘બંડખોર’ વાર્તા દોસ્તોવસ્કીના દેવ પણ દૈત્ય બની જાય એવા દારુણ દુ:ખોની કથાને વર્ણવે છે. રશિયામાં જ્યારે ધર્મને અફિણ અને ‘ગૉડ’ને ગોળીએ મારવા જેવો ગુનેગાર માનવામાં આવ્યો ત્યારે ગૉડ, હાર્મની અને ટ્રૂથ-ઈશ્વર, શાંતિ-સુમેળ, સત્યમાં લોકોને રસ ધરાવતા કરતી તથા વિચારતા કરતી નવલકથા ‘ધી બ્રધર્સ કારામાઝોવ’માં દોસ્તોવસ્કીએ ૧૯મી સદીના રશિયાના જીવનને વણી લીધું હતું. માનવહૃદય અને માનવજીવનનાં સર્વ પાસાંઓને સ્પર્શતી આ વિશ્વવિખ્યાત નવલકથાના સર્જક પ્રચલિત સમાજ વ્યવસ્થા અને રાજતંત્ર સામે ઉદ્દામ અને બંડખોર વિચાર પ્રગટ કરવાને કારણે ખૂબ મુશ્કેલીઓ સહી હતી. રાજ્યસત્તાએ ફાંસીની સજા ફરમાવી હતી. સાઈબીરીયાનાં રણોમાં દેશનિકાલની સજા ભોગવવી પડી હતી. તત્કાલીન સમાજ દ્વારા હડધૂત થવું પડ્યું હતું. આવું સહેવાં છતાં ઝિંદાદિલીપૂર્વક જીવન જીવી જનાર રશિયન સર્જકનું શબ્દચિત્ર લેખકે આછા લસરકાથી ઉપસાવ્યું છે.

‘આઝાદીનું પંખી’ શીર્ષક નામ ઉપરથી દેશપ્રેમની કથા લાગે પણ એ એક કટાક્ષકથા છે. જયભિખ્ખુએ પિંજરના પંખીનું રૂપક ઉપસાવીને વર્તમાન સમયનાં સમાજ, ન્યાયતંત્ર, રાજકારણ, અમલદારશાહી વગેરે દેશનાં વિવિધ અંગોમાં કેવો ભયંકર સડો પેસી ગયો છે એનું નિરૂપણ કર્યું છે. વાર્તામાનું રૂપક અને કટાક્ષ પુરાણકાલીન પ્રાણીકથાની નિરૂપણશૈલીથી આલેખાયાં છે.

‘નાના સાહેબ’માં નાના સાહેબને નિમિત્ત બનાવી લેખકે મરાઠા રાજ્યસત્તા રાજકીય દીર્ઘદ્રષ્ટિ અને ઐક્યના અભાવે અંગ્રેજોનો હાથો કઈ રીતે બની અને પોતાનાંઓનો જ સર્વનાશ કઈ રીતે નોતર્યો તેનું નિરૂપણ કર્યું છે.

‘લક્ષ્મીબાઈની સમાધ’, ‘તાત્યા ટોપેની સમાધ’, ‘તેગ હિન્દુસ્તાન કી’ સ્થળચિત્રો તરીકે નોંધનીય છે. વાર્તાતત્ત્વ એમાં નહીંવત્ છે. પહેલીમાં લક્ષ્મીબાઈની, બીજીમાં તાત્યા ટોપેની સમાધિના સ્થળનું વર્ણન મળે છે. જ્યારે ‘તેગ હિંદુસ્તાનકી’માં કવિ બહાદુરશાહ ઝફરનું સ્વદેશપ્રીતિને વ્યક્ત