પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૪૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

મનના આઝાદ કવિઓ પણ રાજા છે. એમને પ્રશસ્તિઓ ગાવાની આજ્ઞા કર્યે એ ન ગવાય. સંસારની લાલચો દેખાડી એમની ઊર્મિઓને ન ઢંઢોળી શકાય. એ તો ભાવનાની ભૂમિ ઉપર જ સહજ રીતે મ્હોરી ઊઠે એ સંદેશ આપતી ‘કવિરાજા’ પાટણના કુમારપાળના પુત્ર અજયપાળના રાજ્યઅમલ દરમિયાન રાજ્યસત્તાના વીંઝાતા કોરડા સામે અણનમ રહેતા હેમચંદ્રાચાર્યના શિષ્ય કવિ રામચંદ્રના અણનમ, સ્વમાનશીલ કવિયશની કથા છે.

લેખક વાર્તાન્તે ફૂટનોટમાં નોંધે છે તે પ્રમાણે સાહિત્યશિરોમણિ કલાપીના માતુશ્રીના જીવનમાં ઘટેલી ઘટના રજૂ કરતી ‘રજપૂતાણી’ વાર્તા રજપૂત નારીના અનોખા ખમીરને વર્ણવે છે. કુરુક્ષેત્રના રણમેદાન ઉપર સોળમાં દિવસની પૂર્વસંધ્યાએ સવિતાનારાયણને અંજલિ અર્પતા સારથિપુત્ર કર્ણની માનસભૂમિ ઉપર ખેલાતા વેદનાના માનસયુદ્ધને એકોક્તિરૂપે વ્યક્ત કરતી ‘કુલાભિમાન’ વાર્તા વ્યર્થ કુલાભિમાને વરેલા વિનાશને વર્ણવે છે. કુલાભિમાન કેવા પ્રકારે વિશાશ કરે તે વાર્તામાં વિવિધ પાત્રોનાં વર્તન દ્વારા વર્ણવાયું છે. ‘બલિદાન’માં આસ્તિકપણા અને નાસ્તિકપણાની જૂઠી માન્યતાઓને પોતાના ઉના લોહીથી ભૂંસી નાખનાર મહારાજા અશોકના મોટાભાઈ વીતશોકના બલિદાનની કથા નિરૂપાઈ છે. માનવી માનવી વચ્ચે રક્તપાત મિટાવી દેવાની ઝંખના સેવતા વીતશોકનું પાત્ર સરસ ઊપસ્યું છે.

જૈન ધર્મના તીર્થંકર નેમિનાથ લગ્ન કરવા નીકળ્યા અને વાડામાં બંધાયેલા જમણ માટેના પશુઓના કરુણ પોકાર સાંભળી પાછા વળી ગયાનો ખૂબ જાણીતો પ્રસંગ ‘અમર કૉલ’માં વાર્તારૂપ પામ્યો છે. વાર્તામાં રાજુલાની નેમકુમાર તરફની પ્રીતિનું સુંદર નિરૂપણ થયું છે. કાશી નગરીની પ્રચારિણી સભાની એક પુસ્તિકાને આધારે લખાયેલી ‘સૌન્દર્યનો જાદુ’ વાર્તા મોગલ શાહજાદા ઔરંગઝેબને પોતાના સૌંદર્યમાં અભિભૂત કરી અત્યાચારના રસ્તે જતો રોકનાર રમણીય સૌંદર્યભરી યુવતીની કથા છે. તો ‘પુરુષાર્થની પ્રતિમા’ બહારવટિયા દુર્ધરે પોતાનામાં રહેલું જૂઠા પુરુષાર્થનું ઝેર ઉતારી સાચા પુરુષાર્થની દિશા કઈ રીતે પકડી તેને વર્ણવે છે.

ગમે તેવાં પ્રચંડ તોફાન પણ દિલની પ્રચંડતા સામે વિનમ્ર બની જાય