પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૪૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૩૧
 

છે એનો અનુભવ કરાવતી ‘દર્શનાતુર’ વાર્તા આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ ખાતે રહેતા ગાંધીજીને મળવા આતુર શ્રી પુરુષોત્તમ કોટવાળની દર્શનઝંખના કેવા દુઃસહ જોખમોની વચ્ચેથી માર્ગ કરીને પણ ધાર્યું પરિણામ સાધે છે તે વર્ણવે છે. મહારાજા શ્રેણિક બિંબિસારના રાજ્યમાં રાજગ્રહીની શાન વધારનાર એક પ્રજાજન ભદ્રા શેઠાણીના રાજ તથા રાજવી તરફના પ્રેમની કથા ‘રાજાધિરાજ’માં મળે છે. ચીનથી આવેલા શાહ સોદાગરે પોતાની બધી દોલત અને અર્ધી જિંદગી ખર્ચી બનાવેલી રત્નકંબલો એકસાથે ખરીદી પુત્રવધૂઓને અંગલુછણા તરીકે વહેંચી આપીને રાજગ્રહીની શાન વધારનાર ભદ્રા શેઠાણીનું પાત્ર વાર્તામાં સરસ ઊપસ્યું છે.

આંટનો પ્રશ્ન ઘણીવાર જીવનમાં કેવો નોંધનીય બનાવવો પડે છે તે વર્ણવતી ‘આંટનો પ્રશ્ન’ વાર્તા માંડુના શાહસોદાગર ભૈસા શાહની માતાનું પાટણના એક વેપારી દ્વારા જ્યારે અપમાન થાય છે ત્યારે એ અપમાનનો બદલો ભૈસા શાહ કેવી કુશળ રીતે લે છે તેને વર્ણવે છે. આતિથ્યધર્મને જાળવવા અને શરણાગતને બચાવવામાં રાજપૂતી શૌર્ય પોતાનું ખમીર સોળે કળાએ દાખવી અમર બની જાય છે. એ વર્ણવતી રણથંભોરના હમીરદેવની કથા ‘હમીરહઠ’માં મળે છે. તો હિંદુઓના મિથ્યાભિમાનીપણાને અને અંગ્રેજોની નમ્રતા, જિજ્ઞાસા ને જહેમતને વર્ણવતી ‘ગોમાંસભક્ષક’ વાર્તા સંસ્કૃત-ભાષા સાહિત્યને જગતઆંગણે ગૌરવવંતુ બનાવનાર વિલિયમ જ્હોન્સની વાત કરે છે. અંગ્રેજોને ગોમાંસભક્ષક ગણીને એમનો છોછ કરનાર હિંદુઓ પોતે વાસ્તવમાં ગોમાંસભક્ષણ કરતાં પણ કેવી વધારે ખરાબ પ્રવૃત્તિઓ કરતા હતા એને વરવું પણ વાસ્તવિક ચિત્ર લેખકની કટાક્ષભરપૂર શૈલીમાં વ્યક્ત થયું છે.

સંગ્રહની છેલ્લી વાર્તા ‘સોમનાથનાં કમાડ’ ઈ. સ.ની અગિયારમી સદીમાં અલ્લાઉદ્દીન ખિલજી દ્વારા સૌરાષ્ટ્રના ભગવાન સોમનાથના મંદિરનાં કમાડ જે અફઘાનિસ્તાનનાં ગજની પ્રાંતમાં લઈ જવાયા હતા એની ૧૯મી સદીમાં લોર્ડ એલનબરો દ્વારા પુન:સ્થાપના કરવાની અંતરંગ ઝંખના રાજખટપટના આડાઅવળા દાવમાં અધૂરી રહી એ કથાને વર્ણવે છે.

‘ઉપવન’ સંગ્રહની વાર્તાઓ લેખક કહે છે તેમ ‘ઇતિહાસની વાર્તાઓ’