પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૪૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

સાસરે મોકલેલી ફૂલ જેવી લાડકી દીકરીની સ્થિતિ સાસરીમાં નોકરડીથી બદતર હોય, શરીરમાં રોગ હોવા છતાં આરામનું નામ ન હોય, ‘મોટા ઘર’ને નામે સાસુ દ્વારા સિતમ ગુજારાતો હોય એનું વરવું દર્શન કરાવતી આ વાર્તા પણ સંગ્રહની એક કરુણાંતિકા જ છે.

લેખક પોતે કાઠિયાવાડના વતની હોવાને લીધે કાઠિયાવાડની ધરતીના જનજીવનને આ સંગ્રહમાં વિશેષ શબ્દરૂપ મળ્યું છે. કાઠિયાવાડમાંનુ વઢવાણ એની સામાજિક રીતે ખરાબ છાપથી વગોવાયેલું છે. ‘ટોપીવાળો’ વાર્તામાં ‘વઢવાણની સાસરી ને દીકરીની કાચરી’ની છાપને સાચી પુરવાર કરતી બે દૃષ્ટાંતકથાઓ ટ્રેનમાં વાતો કરતાં પાત્રોના મુખમાં મુકાયેલી મળે છે. કરિયાવર ઓછો પડવાને કારણે એકમાં સાસુએ વહુને બાળી મૂક્યાની અને બીજામાં મારીને ટાંકામાં ફેંકી દીધાની ઘટના દ્વારા વાર્તાન્તે લેખકનો પ્રશ્ન એ છે કે આવો સમાજ સ્વરાજ ભોગવી શકે ખરો ? ‘ટોપીવાળો’ શીર્ષક અનેકાર્થનું સૂચક છે. ટોપીવાળો એટલે આબરૂદાર.... ઇજ્જતદાર. સમાજનો કહેવાતો આબરૂદાર વર્ગ જ અંદરખાનેથી આવો હોય એ સમાજને જીવવાનો અધિકાર ખરો ? વાર્તાની નાયિકાને જ્યારે સાસુએ બાળી મૂકી ત્યારે બાળનાર કોણના જવાબમાં મરતી વખતે તે બોલે છે. ‘ટોપીવાળો’. આ ‘ટોપીવાળો’ એટલે તેનો પતિ…. વાર્તાન્તે સ્ટેશન ઉપરથી ઊતરતા નાયકને પોતાના મિત્રો મળે છે. તેઓ સ્વરાજ્યપ્રાપ્તિનું ગીત ગાય છે. ‘ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં’ ત્યારે નાયકથી સહજ રીતે પ્રશ્ન પુછાઈ જાય છે કે ‘આવો સમાજ સ્વરાજ ભોગવી શકશે ?’ (પૃ. ૩૫), નાયકને ટોપાવાળા - અંગ્રેજોની ખબર લેવા કરતાં પહેલાં ટોપીવાળા - કહેવાતા ભદ્ર સમાજની ખબર લેવાનું વધારે ઉચિત લાગે છે. પોતાનો આ પ્રયત્ન કેવો વામણો છે એની ખબર પણ નાયકને છે એટલે જ વાર્તાનું અંતિમ વાક્ય છે ‘એક મચ્છરે જાણે હાથીને પછાડવાનો નિર્ણય કર્યો.’ આમ શીર્ષક અનેકાર્થ સૂચવે છે.

‘પાઘડીએ મંગળ’ આપણા સમાજના એક વધુ વરવા રૂપનું દર્શન કરાવે છે. પોતાનામાં જ ખામી હોવા છતાં વાસનાની આગમાં પિડાતાં ઓતમચંદ શેઠ ત્રણ ત્રણ વાર લગ્ન કરીને કાચી કળી સમી સ્ત્રીઓને