પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૫૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૩૭
 

સંસારના મગરમચ્છોની વચ્ચે રહેંસાતી એક નવવધૂની કથા આલેખે છે. પરણીને આવેલી પુત્રવધૂનો વાંકો સેંથો સાસુના મનમાં વહુ માટે, એના શીલ માટે અનેક અમંગળ વિચારો જન્માવી વહુને દુઃખી કરે છે એનું નિરૂપણ કરતી આ વાર્તા કરુણાંત કથાઓમાં એના સુખાંતને કારણે જુદી પડે છે. છતાં સ્ત્રીની દયનીય સ્થિતિનું નિરૂપણ તો અહીં પણ એવું જ છે.

એક અદના મુસ્લિમ જમાદાર મિયાં અનવરમાં રહેલા ઉમદા માનવીય ગુણનો, ઊંચા સંસ્કારોનો અને ઉદાત્ત શીલનો પરિચય કરાવતી ‘ઢોળાતું ધન’ વાર્તા સમાજને આપણા શીલરૂપી ઢોળાતા ધનને ઉદાત્ત સંસ્કારોથી બચાવી લેવાનો સંદેશ આપે છે. અનવરના જીવનમાં આવેલી એક રૂપરમણીને જીવનનો સાચો રસ્તો ચીંધીને સંસ્કારિતા, માનવતા અને મોટાઈએ કાંઈ કહેવાતા મોટાઓનો જ ઇજારો નથી એ સૂચવે છે. માણસમાં રહેલા દેવતાને અહીં લેખકે સંઘર્ષમાંથી ઊંચે ઊઠતું બતાવ્યું છે. અનવરનું માનવીયપણું સંઘર્ષની સરાણે ચડી કઈ રીતે વિશુદ્ધ બને છે એ બતાવતી આ વાર્તા માનવજીવનના ઉમદા ગુણોને અભિનંદે છે.

કાઠિયાવાડી સમાજના દોષો બતાવતી, ત્યાંના સમાજના અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્ધા, દીકરીની જાત ઉપર ગુજારાતા જુલમની અનેક વાર્તાઓ એના વરવા રૂપે અહીં આલેખાઈ છે. પણ એની સામે આ ધરતીનાં ખમીર, મહેનત, આતિથ્યભાવના વગેરેનું નિરૂપણ કરતી એકાદ પ્રસાદીરૂપ વાર્તા પણ અહીં આપવાનું લેખક ચૂક્યા નથી. ‘કાઠિયાવાડી’ સંગ્રહની આવી વાર્તા છે.

સમાજના દંભ, મિથ્યાડંબરની ઠેકડી ઉડાડતી ‘મૂવે મોટી પોક’ વાર્તા એક એવા પિતૃહૃદયના કારુણ્યને વર્ણવે છે, જેણે પુત્રઆંગણે દુઃખ સિવાય કશું મેળવ્યું નથી. મુંબઈના વાતાવરણને નિરૂપતી આ વાર્તા શહેરી જીવનની ગંદકી, બેદિલીને વાચા આપે છે. ગામડાંની સ્વચ્છ હવા અને આરોગ્યપ્રદ વાતાવરણને ત્યજીને વશરામ ફુવાને પોતાના દીકરા મણિલાલના ફ્લેટની ગંધાતી ચાલીમાં કેવી રીતે રહેવું પડે છે એનું નિરૂપણ દયાની સાથે શહેરીજીવન તરફ જુગુપ્સા પણ જન્માવે છે. તો ‘મહાજન’ વાર્તા મહાજન પ્રત્યેના વ્યક્તિના આન માન ને શાનના ખ્યાલને વર્ણવે છે. આમાં એક એવા