પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૬૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જ્યારે શત્રુના ડાબલાઓથી ભયમાં હતી ત્યારે આંતરઅગ્નિની આગમાં હોમાતા મગધને બચાવવા રાષ્ટ્રભક્ત મહામંત્રી શકટાલે આપેલા ભોગની કથા નિરૂપતી આ વાર્તામાં દેશહિતચિંતક શકટાલનું ચિંતન સુંદર ઊપસ્યું છે.

રાજુલાને પરણવા આવતા નેમકુમાર વચમાંથી જ ત્યાગી થઈને નીકળી જાય છે ત્યારે એમની તરફ અપૂર્વ પ્રેમ ધારી સાધુવેશે ચાલી નીકળનાર રાજુલાના અમર દામ્પત્યની કથા ‘અમર દામ્પત્ય’માં રજૂ થઈ છે તો ‘કવિનો આત્મહુંકાર’માં કવિપદના ગૌરવને ખાતર નમ્યા વગર શાંતિથી મોતને ભેટનાર હેમચંદ્રચાર્યના શિષ્ય રામચંદ્રસૂરિની વાત વર્ણવાઈ છે.

‘અમદાવાદનો ભામાશા’ સુબેદાર ઇબ્રાહિમ કુલીખાં અને સિપેહ સાલાર હમીદખાં જેવાં બે બળિયાની લડાઈ વચ્ચે ભીંસાઈ રહેલા અમદાવાદને પોતાની બધી મૂડી આપી દઈ બચાવનાર નગરશેઠ ખુશાલચંદની કથા કહે છે. જ્યારે ‘માયાના મૃગજળ’ પુત્રની પ્રાપ્તિ માટે દેવીની આરાધના કર્યા પછી માગવાની ક્ષણે જીવનભરની સંતાનરહિત સ્થિતિની માગણી કરનાર વિમળમંત્રી અને શ્રીદેવીના સમજભર્યા અનોખા દામ્પત્યને વર્ણવે છે. પત્થર પર પુત્રની મમતા જગાડી વગર વંશે વંશની વેલને સેવાસુકીર્તિની સુગંધથી ફાલવા દેવાનું વરદાન માગનાર આ દંપતીએ બંધાવેલા જૈન મંદિરો આજે પણ તેમનાં તપ, ત્યાગ અને ધર્મની પ્રતીતિ કરાવતા મોજુદ છે.

આ સંગ્રહની ચૌદ વાર્તાઓમાંથી ‘શિષ્યમોહ’, ‘કુભાર્યા’, ‘રાજિયા- વાજિયા’, ‘હું પોતે’, ‘અમર દામ્પત્ય’, ‘કવિનો આત્મહુંકાર’, ‘માયાનાં મૃગજળ’ લેખકના વિવિધ વાર્તાસંગ્રહોમાં પુનરાવૃત્તિ પામી છે જે લેખકની એ વાર્તાઓ તરફની પ્રીતિનું સૂચક ગણી શકાય. ‘ઉત્તરદાયિત્વ’નું બીજ ‘લોખંડી ખાખના ફૂલ’માં, પિતૃહત્યાનું પુણ્ય ‘કામવિજેતા’ જેવી નવકથામાં સોળે કળાએ ખીલી ઉત્કટ કલારૂપ પામે છે. એકનું એક કથાવસ્તુ એકના એક સર્જકના હાથે જુદાં જુદાં સ્વરૂપોમાં ઢળે ત્યારે એ રૂપફેરે કેવું મહોરી ઊઠે છે એની પિછાણ જયભિખ્ખુના વિવિધ સર્જનને આ દૃષ્ટિથી તપાસતાં મળી શકે છે. આ સંગ્રહમાંની ‘વીરધર્મની સાચી પિછાન’, ‘સાધુવંદ્ય શ્રાવક’, ‘આત્મધર્મ’, ‘પરિનિર્વાણ’ વાર્તાઓ મહાવીરજીવનને જ એક યા બીજી રીતે નિરૂપે છે.