પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૬૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘દેવાનંદા’ વાર્તામાં જયભિખ્ખુએ સ્ત્રી જાતિમાં રહેલા માતૃત્વનું સુંદર અને સુભગ દર્શન કરાવ્યું છે. દેવાનંદાને મહાવીર સ્વામીએ આપેલો ઉપદેશ ‘લોકપ્રશંસા ને લોકનિંદામાં સમભાવ સ્થાપન કર ! પ્રીતિ અને અપ્રીતિ વિષે સમાન ભાવ ધારણ કર ! તું તરી જઈશ. યાદ રાખજે કે તૃપ્તિ કરતાં ત્યાગ મોટો છે. દેહ કરતાં આત્મા મોટો છે. સંસાર કરતાં સ્નેહ મોટો છે. દીર્ઘકાળ સેવેલાં જ્ઞાન અને ચારિત્ર્ય સિવાય જાતિ કે કુળને કોઈ બચાવી શકતાં નથી. કર્મ મહાન છે, કુલ નહિ’ (પૃ. ૧૨૬). આજે પણ સામાન્ય આચાર માટે જરૂરી જણાય છે. સંગ્રહની છેલ્લી વાર્તા ‘શિલ્પ’માં એક વિષયાંધ સુવર્ણકાર ભોગથી કંટાળી જિનેશ્વર ભગવાનની મૂર્તિ ઘડીને કયા ક્રમે સાચો કલાકાર બને છે એનું ચિત્રણ છે. ભારુંડ પક્ષીના ઉલ્લેખથી આ વાર્તામાં અદ્ભુત રસિકતા પણ આવે છે.

બીજા ભાગની આ વાર્તાઓ ટૂંકી વાર્તાકલા માટે આવશ્યક એવા વક્તવ્ય તરફ કૂચ કરતા સીધા ઉપાડના અભાવને કારણે કલાકૃતિ તરીકે થોડી અસફળ રહે છે. છતાં એ વાંચવી ગમે એવી તો જરૂર છે જ.

ત્રીજા ભાગની નવ કથાઓ એક યા બીજી રીતે વીરધર્મનાં એટલે કે ભગવાન મહાવીરે પ્રવર્તાવેલા વ્યાપક માનવધર્મનાં વિવિધ પાસાંનું સુભગ દર્શન કરાવે છે. ભગવાન મહાવીરની ભવ્ય પ્રવજ્યાનું સુંદર ચિત્ર આપતી

સંગ્રહની પહેલી વાર્તા ‘દેવદૂષ્ય’ ભગવાન પાસેથી પામેલા દિવ્ય વસ્ત્રને વેચીને કોટ્યાધિપતિ થવા ઇચ્છતા સ્વાર્થી બ્રાહ્મણના ‘જીવનપ્રેમની ભેટ’ને વેચવા નહીં ઇચ્છતી ગણિકાના દૃષ્ટાંતથી થતા માનસપરિવર્તન દ્વારા પ્રેમ અને ત્યાગનો મહિમા સમજાવે છે. સંગ્રહની બીજી વાર્તા ‘અમરકૂંપો’ ધર્મને બલા ગણનાર નાસ્તિક રાજાના હૃદયપલટા દ્વારા આત્મારૂપી અમરકૂંપાનો ચમત્કાર વર્ણવે છે. તો ‘ભવનાટ્ય’માં એક ફૂટડી નટડીને દિલથી ચાહનાર ઇલાચીકુંવરને પ્રતીતિ થાય છે કે દેહના કરતાં દેહીનો આત્માનો પ્રેમસંબંધ જ શાશ્વત છે.

સંગ્રહની ચોથી વાર્તા ‘રંકનો રાય’ રગીબનો બેલી બનનાર કુમારપાળને કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ દ્વારા અપાતા ‘રાજા તો યોગી અને યોગી તો રાજા’ના ઉપદેશને વર્ણવે છે, તો ‘સહુ ચોરના ભાઈ’