પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૭૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

છે. ઉદારતા અને ઉચ્ચ વિચારણાના ગમે તેટલા થપેડા તેની ઉપર લગાવવામાં આવે તો પણ વ્યવહારુ જીવનમાં સ્વાર્થપરાયણ આચાર અને આદર્શપરાયણ વિચાર વચ્ચે કંચન અને કામિની માટે અનેક કુટુંબોમાં, ઘરોમાં, જ્ઞાતિઓમાં અને વિશાળ સામાજિક સંઘોમાં ઘર્ષણો જાગ્યાં છે. સમાજમાં કંચનને કારણે વિશ્વયુદ્ધો ખેલાયાં છે તો કામિનીને કારણે આંતરયુદ્ધો એમાંય તે વિશ્વયુદ્ધો કરતાં આંતરયુદ્ધો વધુ સંતાપકારી બન્યાં છે. આ ઘર્ષણનાં અનેક આલેખનો શ્રી જયભિખ્ખુએ તેમની વાર્તાઓમાં વેધક રીતે કર્યા છે.

સહૃદય સ્વસ્થ માણસનું ઘડતર થઈ શકે એવું ઘરમાં, કુટુંબમાં કે સમાજમાં ક્યાંય કશું નથી. કંચન અને કામિની પાછળની દોટે માણસ પાસેથી ઘરને ખોવરાવ્યું છે. આજે આઝાદી છે, ધન છે, સત્તા છે, પ્રતિષ્ઠા છે, મહત્તા છે પણ માણસ પાસે સંજીવની સમું ‘ઘર’ નથી. ‘ઘર’ વિના માણસ પેટક્ષુધા અને જાતીયક્ષુધા માટે, અકરાંતિયાની જેમ આરોગતો હોવા છતાં ભૂખ્યો ને ભૂખ્યો દરબદર ભટકી રહ્યો છે. એની ક્ષુધા અતૃપ્ત જ રહી છે ! સંસારની સંસારજેલોમાં વસતા આવા અતૃપ્ત આત્માઓ ત્યારે જ તૃપ્ત થાય જ્યારે સમાજમાંથી કંચન અને કામિનીનું આકર્ષણ ઓછું થાય. ધન એ સાધન છે, સાધ્ય નથી. સ્ત્રી એ પ્રેરણામૂર્તિ છે, વિલાસમૂર્તિ નથી એ સમજાય તો જ ‘ઘર’ વસે અને ઘર વસે તો પરિવાર બને. પરિવાર બને તો કીંમતી પરંપરા રક્ષાય અને તો જ પૃથ્વી નરોત્તમ પામે છે.

સંસારને સ્વર્ગ બનાવવા માટેની આવી ધ્યેયનિષ્ઠ વિચારસરણી ધરાવતાં શ્રી જયભિખ્ખુએ પોતાના અનેક વાર્તાસંગ્રહોમાં સમાજને મૂંઝવતા કેટલાય સામાજિક પ્રશ્નોને છણ્યા છે. એમની આવી સામાજિક પ્રશ્નોની છણાવટ કરતી વાર્તાઓના સંગ્રહોમાં આ સંગ્રહ એમાંના વિચારબળ, કલાનિયોજન અને ધ્યેયદર્શનની વિશિષ્ટતાને કારણે આગવો તરી આવે છે.

કુલ ૧૨ વાર્તાના આ સંગ્રહમાંની પ્રથમ વાર્તા છે ‘કંચન અને કામિની’. આ વાર્તામાં એક કલાકાર સુથાર મનસુખે પત્ની તરીકે પ્રાપ્ત થયેલી એક સામાન્ય છોકરી આશામાંથી પોતાની કલ્પનાને પ્રિય એવી સુંદર પ્રિયતમા ઘડી. પોતાની આ પ્રિય પત્નીને એની ઓરમાન માએ એટલા માટે