પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૭૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૬
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

લેખકહાથે અહીં અચ્છું કટાક્ષચિત્ર ઊપસ્યું છે. કંચનના મોહે સ્વસ્થ વિવેકબુદ્ધિ ગુમાવતા ભોગી શેઠ અને શણગાર શેઠાણીની સાન ઠેકાણે લાવે છે એમનો પુત્ર કેશવ. જ્યારે ભાગી શેઠે મોટા કરિયાવર સાથે કેશવનો સોદો નક્કી કરી નાખ્યો હતો ત્યારે એ સોદાને નકારતો કેશવ પોતાની મનપસંદ કામિનીને પામવા એમનાથી દૂર જતો રહ્યો.

સંગ્રહની ‘ગંગા ગટરમાં’ વાર્તામાં જયભિખ્ખુએ ગામડાને નહિ બંધ-બેસતી શહેરી સંસ્કૃતિથી ગામડાની થતી પાયમાલી બતાવી છે. લેખકનો પક્ષઘાત શહેરી સંસ્કૃતિ કરતાં ગ્રામસંસ્કૃતિ તરફ વધારે રહ્યો છે. એથી વાર્તામાં શહેરી સંસ્કૃતિ તરફનો કટાક્ષભર્યો આક્રોશ અવારનવાર છલકાતો જણાય છે. વાર્તાનું વસ્તુ તો આછુંપાતળું જ છે. શહેરી જીવનના દવથી બળેલો સુમન શહેરની ચીકણી માંદગીને ગામડાંની તાજી હવાથી દૂર કરવા પોતાને ગામ આવ્યો હતો. પહેલાં તો ગામડાંનું જીવન એને જચતું નથી. શહેરના મોજશોખ સાંભરે છે પણ અનુભવે એને ગ્રામધરતીની ચોખ્ખી હવા અને આરોગ્યપ્રદ ખોરાકનું મૂલ્ય સમજાય છે. સાજો થયેલો એ શહેરને, શહેરના ભણતરને અને વીજળી-પાણીને ગામડામાં લાવે છે. ગામલોકો આ સુખસગવડોમાંથી એશઆરામી બની છેવટે દુ:ખના દરિયામાં ધકેલાય છે. ત્યારે રૂખો શહેરની એ સુખસાહ્યબીને નષ્ટભ્રષ્ટ કરી પોતાનો આક્રોશ પ્રગટ કરે છે. શહેરની એશઆરામીએ ગંગા જેવી ગામડાની શીલવતી યુવતીને કયા કારણે ગંદકીની ગટરમાં ધકેલી એનું નિરૂપણ તો લેખકે-હાથે સાવ જ ઉપરછલ્લું થયું છે. સ્ત્રીની દબાયેલી સ્થિતિનું આછુંપાતળું ચિત્ર આપતી આ વાર્તા મુખ્યત્વે તો વાર્તાકારનો ગ્રામજીવન તરફનો પક્ષપાત જ પ્રગટ કરે છે.

પ્રત્યેક સમાજમાં ખસની જેમ ખણી ખણીને સમાજને વલુરતો એક વર્ગ છે. એ વર્ગ સમાજમાં ચૌદશિયાના નામે જાણીતો હોય છે. એમની લાકડે માકડું વળગાડવાની પદ્ધતિ, કન્યા કે વરના વિક્રયમાંથી દલાલી મેળવવાની રીત એ બધાને નિરૂપતી વાર્તાઓ તો સાહિત્યમાં અનેક રૂપે મળે છે. આ વાર્તાકારે પણ એમના અન્ય સંગ્રહોમાં એવી વાર્તાઓ આપી છે પણ ‘ચૌદશિયો’ વાર્તા અન્ય વાર્તાઓથી એક ડગલું આગળ એ રીતે જાય છે કે અન્ય વાર્તાઓમાં જ્યાં આવા ચૌદશિયા દ્વારા રહેંસાયેલા સ્વજનો પોતાના પ્રિયજનનું એમના દ્વારા રહેંસાતુ સ્વરૂપ મૂંગે મોઢે સહી લે છે, ક્યાંક આંસુ