પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૮૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૬૭
 


‘યાદવાસ્થળી’ની ભારતના ઇતિહાસ-પુરાણની કથા તાંતણાવાળી વાર્તાઓની વચ્ચે કર્તાનું ધ્યાન ચૂકવી ઘૂસી ગયેલી ‘રાષ્ટ્રનેતાનો ઇમાન’ વાર્તામાં ખલીફા ઙજરત ઉપરની દીનવત્સલતા અને પ્રજાપાલકતાને પ્રગટ કરતો એક કિસ્સો નિરૂપાયો છે. ખલીફાનું ઉદાત્ત પાત્રત્વ ઉપસાવતી આ વાર્તા પાત્રપ્રધાન વાર્તાનો એક ઉમદા નમૂનો પૂરો પાડે છે. તો સંગ્રહની અંતિમ વાર્તા ‘માધ્યમ માર્ગ’ કઠોર દેહદમન બાદ સિદ્ધાર્થ ગૌતમને લાધેલા મધ્યમ માર્ગના સત્યને અને બુદ્ધત્વને વર્ણવે છે.

આપણે આગળ જોયું તેમ સંગ્રહની પ્રત્યેક વાર્તા એક સંઘર્ષને લઈને ઉપસે છે, જેમકે ‘કાફિર’ જેવી વાર્તામાં રાષ્ટ્રસંઘર્ષ એટલે રાષ્ટ્રનું હિત જોખમાવે એવા સંઘર્ષનું નિરૂપણ છે તો અન્યત્ર જીવનસંઘર્ષ જોવા મળે છે. જેમ કે વિલિયમ જ્હોન્સને નડેલા રૂઢિચુસ્ત હિન્દુ માનસનો સંઘર્ષ કે અકબરની સામે ઊઠેલા ચુસ્ત ઇસ્લામ પરસ્તોનો વિરોધ વંટોળ, જગન્નાથ-લવંગિકાના ધર્માન્તર સ્નેહલગ્નનો સમાજે કરેલો વિરોધ વગેરે જીવનસંઘર્ષને જ ઉપસાવે છે. ‘લવંગિકા’ સિવાયની વાર્તાઓમાં સંઘર્ષનું મંગલાન્ત શમન જોવા મળે છે.

વાર્તાકાર જયભિખ્ખુની ઘણીબધી વાર્તાઓનું વસ્તુ જાણીતું છે એને કારણે વસ્તુગત આકર્ષણ વાર્તાઓમાં બહુ જળવાતું નથી. આવી વાર્તાઓને આકર્ષક રૂપ આપવામાં જ વાર્તાકારની શક્તિની કસોટી રહેલી છે. જયભિખ્ખુ આવી વાર્તાઓને પોતાની રજૂઆતની કુશળતાથી - કહેણીને બળે - આકર્ષક બનાવી શક્યા છે. સુગ્રથિત કલાત્મક વસ્તુસંવિધાન કરતાં ઝમકદાર અને પ્રવાહી ભાષા એમને વાર્તાઓમાં સારું કામ આપે છે. સંગ્રહની ‘લવંગિકા’ વાર્તાને તપાસનાર હરકોઈ વ્યક્તિ એમાંના ભાષાવૈભવથી પ્રભાવિત થયા વિના રહેશે નહીં. જયભિખ્ખુને શબ્દશોખીન વાર્તાકાર ઠરાવે એવો ભાષાનો વૈભવ એમાં જણાશે. ‘કાફિર’ ને ‘રાષ્ટ્રનેતાનો ઇમાન’ વાર્તાઓ વાર્તાકારનું ફારસી શબ્દભંડોળનું જ્ઞાન બતાવે છે. આમ છતાં એમની સડસડાટ સરતી શબ્દશોખીન કલમ ક્યાંક ક્યાંક ભાષાના આવા ભાતીગળ વૈચિત્રો પણ ખડાં કરી દે છે જેમકે ‘ઇત્રભર્યા દીપકોની બ્લ્યુ શમેદાનીનો પ્રકાશ એના સૌંદર્ય પર સ્વર્ગીય આભા પાથરી રહ્યો છે.’ (પૃ. ૪ર). અહીં એક જ શ્વાસે સંસ્કૃત અને ફારસી શબ્દો સાથે