પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૮૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૨
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

કામને જ પોતાનો રામ ગણનાર ખાન શાહઝરીન જે ગુરુકુળના ચોકીદાર હતા અને જેમણે રજાઓ ગાળવા નરવર ગયેલી વિદ્યાર્થીઓની ટુકડી સાથે રહીને જોખમના વખતે એમના પ્રાણની રક્ષા કરીને તેના વ્યક્તિત્વને વર્ણવે છે. જે પોતાના કામને વફાદાર રહે છે એનાં ઇમાન અને આબરૂ ઈશ્વર જાળવે છે. કર્તવ્યનિષ્ઠા એ જ સાચી ઇશ્વરનિષ્ઠા છે એ ધ્વનિને સૂચવતી આ વાર્તા નાનકડા માનવીની મોટકડી ભાવનાને વ્યક્ત કરે છે.

પંચતંત્ર કે હિતોપદેશની બોધક કથાની યાદ આપે એવી ‘સદાનો ટંટો’ વાર્તામાં લક્ષ્મીના વાહન ઘુવડ અને સરસ્વતીના વાહન મોર વચ્ચે પોતપોતાના ઇષ્ટની મોટાઈ માટેનો ટંટો અને છેવટે એનું નિવારણ નિરૂપાયું છે. બંનેએ પોતાના માલિકો પાસે આવી બંનેમાં કોણ મોટું એની વઢવેડ દૂર કરવા વિનંતી કરી. બંનેએ પોતાનાં વાહનોની સમક્ષ મોટાઈ સિદ્ધ કરવા કેવા વેશ ભજવ્યા અને છેવટે બંનેને કઈ રીતે ખુશ કર્યા એનું નિરૂપણ વાર્તાત્મક ઢબે થયું છે.

માણસનું દિલ ખુદાનું સિંહાસન છે. એ સિંહાસન પાસે ભૂલથી પણ શેતાન ઢૂંકી ન જાય એની કાળજી રાખવી એનું નામ સારમાણસાઈ. પાપ તો માણસથી થઈ જાય છે. પણ પછી એના દ્વારા થતું પ્રાયશ્ચિત એને માણસ બનાવે છે. ‘ખુદાનું સિંહાસન’ વાર્તા સુલેમાન દ્વારા મિત્ર રામજીને થતાં અન્યાય અને એના પ્રાયશ્ચિત્તને નિરૂપે છે.

મેવાડ, મારવાડ અને અંબર રાજ્યને ત્રિભેટે આવેલું એક મંદિર જે સગાંવહાલાંનાં વેરઝેરથી ને ભાઈ-ભાઈના ક્લેશથી એટલું લોહિયાળ બન્યું હતું કે એ ભૂમિ ઉપર બે સગા ભાઈઓ આવે તો પણ ભૂમિના પ્રભાવે ઘડીકમાં એકબીજાના શત્રુ બની જાય એ મંદિરને આંગણે ઘટેલી ઘટના ‘બૂરો દેવળ’માં નિરૂપાઈ છે. કથાનો હેતુ રજપૂતોમાંનાં અંગત વેરઝેરનો ત્યાગ કરી માણસાઈને જગાવવાનો છે.

‘લાખેણી વાતો’માંની આ વાર્તાઓ સાચા અર્થમાં લાખેણી છે. વાર્તાકારનો ઇરાદો છે તેમ આ વાર્તાઓ વાચકના જીવનસંઘર્ષમાં માર્ગદર્શક નીવડે એવી છે અને તેથી જ લેખકનો શ્રમ સાર્થક બન્યો છે.