પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૮૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૭૩
 


‘જયભિખુ વાર્તાસૌરભ’ ૧,૨ :

ઈ. સ. ૧૯૫૫માં પ્રકાશિત થયેલ શ્રી ધીરુભાઈ ઠાકર-સંપાદિત ‘જયભિખ્ખુ વાર્તાસૌરભ’ના પહેલા ભાગમાં ૧૩ અને બીજા ભાગમાં ૧૨ થઈને કુલ ર૫ વાર્તાઓ મળે છે. સંપાદનમાં પસંદ થયેલી આ વાર્તાઓ લેખકના ઈ. સ. ૧૯૪૪થી ઈ. સ. ૧૯૫૪ સુધીમાં પ્રગટ થયેલાં વાર્તાસંગ્રહો ‘ઉપવન’ (૧૯૪૪), ‘ગુલાબ અને કંટક’ (પ્રકાશનવર્ષ નથી), ‘પારકા ઘરની લક્ષ્મી’ (૧૯૪૬), ‘વીર ધર્મની વાતો’ (૧૯૪૭), ‘વીરધર્મની વાતો’ ભા. ૨ (૧૯૪૯), ‘માદરે વતન’ (૧૯૫૦), ‘કંચન અને કામિની’ (૧૯૫૦), ‘વીરધર્મની વાતો’ ભા. ૩ (૧૯૫૧), ‘યાદવાસ્થળી’ (૧૯૫૧), ‘વીરધર્મની વાતો’ ભા. ૪ (૧૯૫૩), ‘લાખેણી વાતો’ (૧૯૫૪)માંથી લેવામાં આવી છે. વાર્તાઓના સંપાદનમાં શ્રી ધીરુભાઈ ઠાકરે મુખ્યત્વે ઊછરતી પેઢીને મસ્ત જીવનરસ પાય અને એમની સાહિત્યરુચિને સંસ્કારે (વાર્તા અને વાર્તાકાર, વાર્તાસૌરભ ભા. ૧, પૃ. ૧૧) એવી વાર્તાઓને પસંદગી આપી છે. સંગ્રહમાંની વાર્તાઓ સંપાદકના આ દૃષ્ટિબિંદુને સુપેરે ફલિત કરે છે.

વાર્તાસૌરભનો પહેલો ભાગ આરંભાય છે ‘મુનિ, મૃગ અને મુસાફર’ વાર્તાથી ઊંચી ભાવના ભાવનારનું જગતમાં ક્યારેય અકલ્યાણ થતું નથી એ જીવનસંદેશ આપતી આ વાર્તામાં મુનિ, મૃગ અને મુસાફરની ત્રણેની પરસ્પર તરફની ઉદાત્ત પ્રેમભાવનાનું દર્શન વાર્તાકારે સુંદર રીતે કરાવ્યું છે. તો ‘હમીર હઠ’ રાજપૂત વીર રણથંભોરના હમીરદેવે અલ્લાઉદ્દીન ખીલજીના વિદ્રોહી મંગોલ સરદાર પીરમહમ્મદને આશ્રય આપીને અલ્લાઉદ્દીન સાથે દુશ્મની વહોરી લીધાની કથા કહે છે. હમીરદેવના આતિથ્યધર્મ અને રજપૂતી શૌર્યનું દર્શન કરાવતી આ વાર્તા મધ્યકાલીન ગુજરાતનું અનુપમ શૌર્યકાવ્ય બની રહે છે. ‘લોકઆત્મા’ ધૂળમાંથી ઊઠીને ધૂળમાં વિલીન થનાર એક સાચા લોક-આત્માની કથા કહે છે. જયભિખ્ખુની કેટલીક સારી વાર્તાઓમાં જેને સ્થાન આપી શકાય એવી ‘રાજિયો ઢોલી’ એક સામાન્ય માનવીમાં રહેલી ઉદાત્ત ભાવનાને વાચા આપે છે. માણસની માણસને ખપમાં આવવાની નાની લાગતી પણ મોટકડી વાત આ વાર્તાનું મુખ્ય પાત્ર રાજિયો ઢોલી પોતાના આત્મબલિદાનથી અમર કરી જાય છે. ઘણી વાર નાણું કોઈ એવા ઉમદા નરવીરો પાસે જાય છે જ્યાં નાણું અને નરવીર બંને અમર બની