પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૯૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

માગેલા વરદાનની વચ્ચેના મનોવિકાસને, મનોસંઘર્ષને, પરસ્પરની સમજ તથા ઉદાત્ત ભાવનાને સુપેરે વ્યક્ત કરે છે. દેવી પાસે સંતાનપ્રાપ્તિ માટેનું વર માગવા આવેલા આ યુગલે વાવ ઉપર લાગો ઉઘરાવતા છોકરાને નીરખીને શા કારણે વંધ્યત્વનું વરદાન માગ્યું એ ઘટનાનું આલેખન વાર્તામાં અસરકારક રીતે થયું છે. મેવાડના રાણા ઉદયસિંહને પોતાના પુત્રનો પ્રાણ આપી બચાવનાર ધન્ય જનેતા પન્નાદાઈની જેમ જ પોતાના પુત્રને સાચો રાજધર્મ અને કર્તવ્યદીક્ષા આપી મેવાડની અમાનતનું રક્ષણ કરવા પ્રાણ પણ કુરબાન કરવાની પ્રેરણા આપનાર કમલમેરના રાજવી આશરાજની માની ઉમદા માતૃસ્હેનને વર્ણવતી ‘અમાનત’ નારીના ગૌરવશીલ પ્રેરણામય રૂપનું દર્શન કરાવે છે. સંગ્રહમાંથી ‘મૂવે મોટી પોક’ જેના વિષે અન્યત્ર લંબાણથી વાત થયેલી છે એ સમાજજીવનના વરવા-ગરવા રૂપને વર્ણવતી કટાક્ષ કથા છે. જેની જીવતા કોઈએ સંભાળ ન લીધી એની મૂઆ પછી જે ખાતરબરદાસ્ત થાય છે એનું કટાક્ષભરપૂર ચિત્ર વાર્તામાં ઉપસાવ્યું છે. ‘મધુબિંદુ’ બૌદ્ધ જાતકકથા છે જેમાં લેખકે એક રૂપક ઉપસાવ્યું છે. માનવી હકની રોટી, ન્યાયનું ધન, સેવાની કીર્તિ અને ઇજ્જત ઇમાનભર્યું જીવન ભૂલીને સંસારના વિષયોરૂપી મધુબિંદુને પામવા પોતાના પ્રાણને કેવો જોખમમાં મૂકી રહ્યો છે, એ વર્ણવતી વાર્તાનું રૂપક આપણે ત્યાં ખૂબ જાણીતુ બન્યું છે. ‘રાષ્ટ્રનેતાનો ઇમાન’ વાર્તા નેતા થનાર વ્યક્તિમાં કેવા ઉમદા ઇમાનની આવશ્યકતા છે એ હજરત ઉમર ખલીફાના જીવનપ્રસંગને આધારે વર્ણવે છે. કપડાં પર લાખ થીગડાં ચાલી શકે પણ માણસના ઇમાન પર એક પણ થીગડું નહિ ચાલે’ (પૃ. ૧૩૩) એવું માનતા હજરત ઉમર એક વખત એક એવા ગરીબ કુટુંબના સંપર્કમાં આવ્યા જ્યાં માતા અન્નના અભાવે દુઃખી થતાં બાળકોને જૂટો દિલાસો આપવા ચૂલા ઉપર હાંડલીમાં પાણી ઉકાળતી હતી. આ દૃશ્ય નીરખી હજરત ઉમરને ખૂબ દુ:ખ થાય છે. નેતા તરીકે પોતાનો જ આ વાંક છે એવું માનતા ખલીફા જાતે જ અનાજ, લોટ, ગોળનો કોથળો ઊંચકી કુટુંબ પાસે પહોંચી બાળકોને પ્રેમથી ખવડાવે છે ત્યારે જ એમને સંતોષ થાય છે. નેતા થવા ઇચ્છનાર કોઈપણ વ્યક્તિએ આ ઘટનાને નજર સમક્ષ રાખવી જોઈએ. આવા ઉમદા નેતૃત્વવાળો સમાજ ક્યારેય દુઃખી ન થાય એમ લેખક વાર્તા દ્વારા સૂચવે છે. સંગ્રહની અંતિમ