પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૦૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જે રેવતીએ એને કસોટીની સરાણે ચડાવી શુદ્ધ કાંચન બનાવ્યો એની જ એણે સત્યવચનની તલવારથી કેવી રીતે હત્યા કરી એનું નિરૂપણ વાર્તાને કરુણાંતિક બનાવે છે. જૈનધર્મના વાતાવરણ, સંસ્કારોવાળી આ વાર્તા પણ બોધાત્મક વધુ છે. પણ એમાંનો બોધ સામાન્ય જનને જીવન જીવવાની ચાવી પૂરો પાડે એવો છે.

'કાદવનું કમળ' મહાકાલની લોકપ્રસિદ્ધ નર્તકી વસંતસેનાની વાતને શબ્દરૂપ આપે છે. આ વાર્તાનું કથાનક લોકપ્રિય છે. લાંબા કથાતંતુને સંક્ષિપ્ત બનાવીને રજૂ કરવાનું લેખકને બહુ ફાવ્યું જણાતું નથી. વાર્તાકથક જાણે ઊભડક ચાલે કથાને આલેખતો જણાય છે. ગણિકા હોવા છતાં કોઈ પણ ભદ્ર સ્ત્રીના જેટલી ઉદાત્ત વિચારશીલતા ધરાવતી વસંતસેનાનું પાત્ર વાર્તામાં ઠીક ઊપસ્યું છે. ચારુદત્ત, શર્વિલક, મદનિકા, શકાર વગેરેનું ચિત્રણ ત્રૂટક છૂટક વધુ લાગે છે.

આ સંગ્રહની મોટા ભાગની વાર્તાઓ ઐતિહાસિક-પૌરાણિક કથા વિષય પસંદ કરીને આલેખાઈ છે. ‘સ્ત્રીનો અવતાર’ વાર્તાએ રીતે જુદી તરી આવે છે. આ વાર્તા એક એવી નારીના દુઃખદર્દની કહાણીને શબ્દરૂપ આપે છે, જેને કોઈ સમજી શકતું નથી. સમાજે જેને ઊંચા કુળની વહુઆરુ બનાવી હતી એ રૂપવતી કુસુમ લગ્નના બે જ વર્ષમાં પાગલ બની ગઈ. જે કુસુમનું પાગલપણુ પતિના કુટુંબમાં વકરતું જતું હતું, એ જ કુસુમ એક ગરીબ ચિત્રકાર કરસનના ઘરમાં શાંત, સ્વસ્થ સ્ત્રી બનીને રહેતી હતી. સમાજનો ડર અને કાયદાની ચિંતા કરસનને પોતાના ઘરમાંથી કુસુમને જાકારો આપવા પ્રેરે છે. કુસુમ ફરી સાસરીયામાં જઈને પાગલ અવસ્થાની ચરમ કોટિએ પહોંચી મૃત્યુ પામે છે. સાદાસીધા પણ હૂંફાળવા જીવનની ઇચ્છા રાખનારી કુસુમને કોઈ જ સમજી શકતું નથી. લેખકે વાર્તામાં કુસુમના સાસરિયાની કોઈ એવી ખરાબી બતાવી નથી. કે જેને કારણે તે પાગલ બની હોય. વાર્તાના અંકોડા એ રીતે થોડા શિથિલ રહી ગયા હોય એવું લાગે છે ખરું. સ્ત્રી-અવતારનું ઓશિયાળાપણું વાર્તામાં કુસુમના પાત્ર દ્વારા સુંદર રીતે અભિવ્યક્ત થયું છે.

કેટલીક વાર શંકાની નાનકડી ચિનગારી માનવીના જીવનને સુખના