પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૦૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નિહાળી, લાજમલાજો ચૂકી જાય, વસ્ત્રોનું ભાન જતું રહે, ભલભલા મર્દના હૈયાં પણ બેબાકળા બની ઊઠે. એ ક્ષણે આ રજપૂતાણીએ હળવે હાથે પૂરી સ્વાભાવિકતાથી સાથળ પર ભરડો લઈ ડોકું ઊંચું કરી રહેલા સર્પરાજને કપડાં સાથે પોતાના પંજામાં દાબી દીધો અને તે પણ એટલી સ્વાભાવિકતાથી કે વાત કરનારને લેશ પણ ખ્યાલ ન આવે ! આંખોમાં એ જ શાંતિ ! મુખ પર એ જ સૌમ્યતા ! ને જબાન પર લેશ માત્ર થડકારા વગરનો એ જ ચાલુ વાક્ પ્રવાહ ! સાપ પણ જીવન વાંછતો આ વીર અંગનાની હાથની ચૂડમાંથી છૂટવા તરફડતો હતો એટલે એણે પોતાની ચૂડ વધારે મજબૂત બનાવી, બહેનના મોં પર વેદનાની સહેજ આછી રેખા અંકાઈ પણ ભાઈ એનો અણસાર પામી શકે એવી એ નહોતી ! છેવટે ભાઈ ડેલીએ ગયા ત્યારે જે કુશળતાથી આ નારીએ સાપને શરીર ઉપરથી દૂર કર્યો એનું લેખક-વર્ણવ્યું ચિત્ર ખૂબ જ આહ્‌લાદક અને દિલધડક છે. શૂરવીરતાના એક નવલા રૂપનું જે ચિત્ર શબ્દોમાં લેખકે ઉપસાવ્યું છે એ સ્પૃહણીય છે.

ઘણી વાર કોઈ નાનકડી ઘટના માનવીની જિંદગીમાં મોટું પરિણામ નિપજાવતી હોય છે, એ વાતની પ્રતીતિ કરાવતી ‘સરસ્વતી ને લક્ષ્મી’ વાર્તા એક ગોવાનીઝ યુવતીમાં આવેલા મોટા પરિવર્તનને આલેખે છે. એક કુશળ ચિત્રકારના હાથે સરસ્વતી-લક્ષ્મીનું મોડેલ બનેલી ગોવાનીઝ યુવતીનું શીલ- સૌંદર્ય એક ક્ષણે એવું જાગી ગયું કે આ બજારુ સ્ત્રી પોતાના શીલની રક્ષા કાજે મોતને ભેટી પણ શીલ કોઈને વેચ્યું નહીં.

પ્રસ્તુત સંગ્રહની વિવિધ વાર્તા નારીમાં રહેલા કોઈને કોઈ પ્રકારના ઉમદા ખમીરનો પરિચય કરાવે છે. આ ખમીર ક્યાંક પતિના શીલની રક્ષા કાજે આત્મસમર્પણ કરવામાં વ્યક્ત થાય છે. (‘અંગના’, પૃ. ૩), તો ક્યાંક દેશને માથે સતની ધજા બાંધનાર કોઈ શૂરવીરને સાવધ કરનાર અવળવાણી રૂપે રજૂ કરે છે. (‘મીઠી મહિયારણ’, પૃ. ૩૨). નારીનું આ ખમીર ક્યાંક દેશના મોવડીની રક્ષા કાજે પોતાના પુત્રનું બલિદાન આપતાં સહેજ પણ ખચકાટ અનુભવતું નથી તો બીજી બાજુ ધર્મની આડ લઈને કર્તવ્ય ચૂકતાં પુત્રને સાચી કર્મદીક્ષા આપતાં પણ ક્ષણનો વિનંબ સહેતું નથી. (જનેતાની જોડ, પૃ. ૪૩) નારીનું ખમીર ક્યારેક ગર્વ અને પ્રાયશ્ચિતના સંઘર્ષક્ષેત્રે પણ