પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૦૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૯૧
 

સાંપ્રદાયિક શબ્દ પૃ. ૪૯), રેતના બવંડરો (ડમરી, પૃ. ૬૮), બેશ (નકામો, પૃ. ૧૦૮) ધ્યાન ખેંચે છે. કેટલીક ઉપમા, દૃષ્ટાંત, ઉત્પ્રેક્ષા જેવી અલંકારરચનાઓ પણ કથાને રસવાહી બનાવે છે. જેમ કે નદીના પાણી વચ્ચેથી બંધુમતીને ઊંચકતા સામયિકને લેખક આવી ઉત્પ્રેક્ષાથી વર્ણવે છે. 'જાણે વરુણદેવે સાગરસુંદરીને અધ્ધર તોળી લીધી.' (પૃ. ૬), જાણે જળ હાથીએ પૂર્ણવિકસિત કમળને સૂઢમાં ગ્રહી લીધું (પૃ. ૬), કે પછી દેહ છોડી આત્મા ચાલ્યો જાય, એમ ગામ છોડીને બે ય ચાલી નીકળ્યા (પૃ. ૧૧), હિમાલયની આંગળીએ નાનો પહાડ વળગ્યો હોય એમ રાજકુમાર દીસતો હતો (પૃ. ૫૫), રૂપને ફૂલની જેમ સંસારના તુષારાઘાતોથી રક્ષવું ઘટે (પૃ. ૬૧) માંના દૃષ્ટાંત કે પછી ક્ષત્રિયના પ્રચંડ અવતાર સમો આશરાજ (પૃ. પ૦), એના અંગો પર યૌવનની વસંત હજી લહેરાઈ નહોતી પણ મુગ્ધાવસ્થાનો મહોર બેસી ગયો હતો (પૃ. ૧૮૫)માંની ઉપમા ધ્યાનપાત્ર બને છે. વાર્તાકાર સંગ્રહમાં ક્યાંક લોકપ્રિય કહેવતને શબ્દફેરે જુદું રૂપ આપે છે જેમ કે “જેણે ગોળ ખાધો હોય એણે ચોકડાં પણ સહવાં જોઈએ' (પૃ. પ૯), કે પછી બહુ પ્રચલિત ન હોય એવી કહેવત પણ યોજે છે જેમ કે 'સો મસાલે મેં એક ધનીયા, સો બ્રાહ્મણ મેં એક બનિયા' (પૃ. ૪૯), ગધેડું પોતે ગોબરું પણ હવાડાનું પાણી ન પીએ. (પૃ. ૧૨૦).

વાર્તાસંગ્રહમાં ક્યાંક ઇતિહાસનો વિપર્યય પણ લેખકહાથે થયો જણાય છે. પણ એમાં ઇતિહાસના અજ્ઞાન કરતાં સરતચૂક વધુ જણાય છે. અભાનપણે એવી ભૂલ થઈ ગઈ હોવાનું લાગે છે. 'રૂપજ્યોતિ' વાર્તામાં વાર્તાની નાયિકા મૃગાવતીના પતિનું મૃત્યું થયા પછી અવંતિપતિ ચંડપ્રદ્યોતે એને પરણવાની રઢ લીધી હતી. જ્યારે લેખક વાર્તામાં એક સ્થળે કહે છે 'માથે પેલો બુઢ્ઢો પ્રસેનજીત એને પરણવાની રઢ લી બેઠો હતો' (પૃ. ૫૯) આગળ આ જ વાર્તામાં નિરૂપણ મળે છે. આ નિ:સહાય રૂપને પોતાનું કરવા ઉર્જૈનીનો રાજા ચંડપ્રદ્યોત ચઢી આવ્યો (પૃ. ૬૧) એટલે આ ભૂલ ઇતિહાસવિપર્યય કરતાં લેખકની શરતચૂકથી સર્જાઈ હોવાનું વધુ જણાય છે.

'અંગના' વાર્તાસંગ્રહ આમ એવી સ્ત્રીની વાર્તાઓને શબ્દરૂપ આપે છે જેમણે સંયમ, સ્વસ્થતા, આત્મસમર્પણ, ઉદાત્ત શીલ અને ભાવનાભર્યા પ્રેમ દ્વારા નારીહૃદયમાં રહેલા ઉમદા ખમીરનો પરિચય કરાવ્યો છે.