પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ : જીવન અને જીવનદર્શન
૧૭
 


આનંદથી જીવન વ્યતીત કરતા હતા. પોતાના રોગોની રોજનીશીમાં લાંબી સૂચી આપીને તેઓ લખે છે કે ‘મનમાં ખૂબ મોજ છે. જિંદગીને જીવવાની રીતે જિવાય છે.’

ઈ.સ. ૧૯૬૯ના વર્ષની દિવાળી વખતે તો જયભિખ્ખુની તબિયત ઠીક ઠીક લથડી ગઈ હતી. તબિયત નાદુરસ્ત હોવા છતાં એમણે ભાઈબીજને દિવસે શંખેશ્વર તીર્થની યાત્રાએ જવાનો વિચાર કર્યો. બેસતા વર્ષના દિવસની પોતાની રોજનીશીમાં તેઓ લખે છે, “આવતીકાલે શંખેશ્વર જવું છે પણ મારી તબિયત બહુ જ ઢીલી છે. જવું કે ન જવું તેનો વિચાર ચાલુ છે.” બીજના દિવસે વહેલી સવારે તેઓ અમદાવાદથી શંખેશ્વર જવા નીકળ્યા. એમની તબિયત જોઈને એમના નિકટનાં સ્નેહીજનોએ જવાની આનાકાની બતાવી હતી. પરંતુ તેમનો નિર્ણય અફર હતો.

અનેક રોગોથી ઘેરાયેલા આ સાક્ષર શંખેશ્વરમાં આવ્યા. જેમ આ તીર્થભૂમિ નજીક આવતી ગઈ, તેમ એમની તબિયતમાં સુધારો થતો ગયો. શરીરમાં નવો જ થનગનાટ અનુભવાતો હતો. લાંબા સમયથી તેઓ ભોજન માટે બેસે ત્યારે ઉબકા આવતા હતા. આ તીર્થભૂમિ પર આવતાં જ તે ફરિયાદ દૂર થઈ ગઈ. પ્રવાસમાં સાથે દવાની એક આખી બેગ રાખી હતી, પરંતુ અહીં આવ્યા પછી એને ખોલવી જ ન પડી. ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવા રોગોની ગોળીઓ એમની એમ પડી રહી. કારતક સુદ ૪ના દિવસે પોતાની રોજનીશીમાં તેઓ આ ચમત્કારની નોંધ લખે છે, મારા માટે એક અદ્‌ભૂત ચમત્કાર બન્યો. અહીં આવ્યો ત્યારે જર્જરિત તબિયત લઈને આવ્યો હતો, શું થશે એની ચિંતા હતી. તેના બદલે અહીં આવતાં જ શરીરની તાસીર બદલાઈ ગઈ. એક ડગલું ચાલી શકતો નહિ, તેને બદલે માઈલ-દોઢ માઈલ ચાલવા લાગ્યો. બે રોટલી જમતાં અધધધ થતું. હવે સહુમાં હું વધુ જમતો. તમામ દવાઓ બંધ કરી હતી.

લાભપાંચમના દિવસે શંખેશ્વરની વિદાય લેતી વખતની એમની સ્થિતિને આલેખતાં રોજનીશીના પાનામાં જયભિખ્ખુ લખે છે : ‘અનેક જાતના રોગોની સંભાવના સાથે અહીં આવ્યો હતો. આજે થનગનતો પાછો ફર્યો. શરીરમાં સાવ નવા ચેતનનો અનુભવ થયો. મન ‘અબ હમ અમર ભયે ન મરેંગે’નું ગીત ગાવા લાગ્યું. મારા જીવનસંચારવાળો તબક્કો મારે સારાં કામોમાં પરિપૂર્ણ કરવો જોઈએ.’