પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૨૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મહાગુરુદેવોની કથા છે. અને સાથે સાથે સામાન્ય પામર અને તુચ્છ જીવોની પણ કથા છે. અંધકાર ન હોય તો પ્રકાશની કિંમત નથી અને માત્ર પ્રકાશ જ ઉપયોગી છે અને અંધકાર નિરૂપયોગી છે તેવું પણ નથી, બંનેની બંને રીતે ઉપયોગિતા છે એ જીવનચિંતન પ્રગટ કરતી જયભિખ્ખુની આ વાર્તાઓમાં મનુષ્યસ્વભાવનું અટપટું અને ઝીણવટભર્યું પૃથ્થકરણ શોધવા જનારને કદાચ નિરાશા મળે. નવી ‘ટેકનિક’ની નવલિકાને જ નવલિકા ગણનારા વર્ગને સાધુ પ્રસંગકથન કરતી આ વસ્તુપ્રધાન રચનાઓ વાર્તા જ ન લાગે. પણ જો સંવેદનની સચ્ચાઈ અને કથનની સરસતાને ઊંચા સાહિત્યનાં લક્ષણ ગણવામાં આવતાં હોય તો આ વાર્તાને અવશ્ય વાર્તાઓ તરીકે નોંધવી પડે. વાર્તાઓમાં મધ્યયુગીન ખાનદાનીનું સ્મરણ કરાવે તેવા રંગદર્શી મિજાજને છાજે એવી શૈલી છે. ધીમી અને અલંકારપ્રચૂર, બોધક અને વેધક સ્ફૂર્તિલી અને વેગીલી ગદ્યશૈલી ગદ્યકાર જયભિખ્ખુના આગવા મિજાજને પ્રગટ કરે છે.

‘કાજલ અને અરીસો’ :

- સ્ત્રીની પ્રતિષ્ઠા અને ગૌરવ, લજ્જા અને મર્યાદા, સ્નેહ અને વિવશતા એ બધાંનાં પ્રતિબિંબ, એના ઘાત-પ્રતિઘાત સાથે સમાજની આરસીમાં ક્યાં અને કેવાં ઝિલાયાં છે, સ્ત્રીત્વની સાચી સુંદર મૂર્તિ ઉપર કાજળની કાળાશ કેવી રીતે અંકિત થઈ છે એ વર્ણવતી ‘કાજલ અને અરીસો’ સંગ્રહની મોટાભાગની વાર્તાઓ નારીજીવનનાં વિવિધ પાસાંઓને પ્રગટ કરે છે.

‘કાજલ અને અરીસો’ સંગ્રહની પહેલી વાર્તા છે, જેમાં ત્રણ પાત્રો વેજલ, એનો પતિ ભોજો અને કામળિયો અને ભોજાનો મિત્ર પીટો હાટી કેન્દ્રસ્થાને છે. વાર્તાનું કથાવસ્તુ તો પરંપરાગત લોકકથાપ્રકારનું જ છે પણ લેખક વાર્તાને કૃતિના શીર્ષક સાથે બંધ બેસે એ રીતે એને ગોઠવ્યું છે. પતિની ગેરહાજરીમાં પતિના મિત્રની સરભરા કરતી વેજલના નિર્મળ હૃદયભાવને ન ઓળખી શકેલો પતિ ભોજો પત્ની ઉપર વહેમાઈ એને કાઢી મૂકે છે. ત્યારે દુ:ખ અને અપમાનની મારી વેજલ પીઠા પાસે પહોંચી પોતાના શીલ ઉપર મૂકવામાં આવેલ આક્ષેપને કકળતા હૃદયે વર્ણવે છે. વેજલને પોતાની મા- જણી બહેન બનાવી રાખતા પીઠા ઉપર ઘા કરવા આવેલા ભોજાને પીઠો