પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૨૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મનનું માનવું એક અને ચરણના ચાલવા જુદા એવા પુરુષરૂપનો નગ્ન ચિતાર આપતી ‘એમાં શું દોષ’ વાર્તાની નાયિકાએ પોતાના પતિ અને ભાઈ જે પોતે ગૌરવપૂર્વક સ્ત્રીથી લોભાતા નથી એવું છડેચોક કહેતા હતા એમના સ્ત્રીલોલુપપણા અને સ્ત્રીસંગની આકાંક્ષાના પ્રયત્નોનો હળવી ભાષામાં મધુર ચિતાર આપે છે.

કન્યા પરીક્ષાનું તૂત આધુનિક કાળમાં અને વરપરીક્ષાનું ભૂત પ્રાચીન કાળમાં સમાજમાં કેવા પ્રચલિત હતાં એ વર્ણવતી ‘પરીક્ષા’ વાર્તા એક અર્વાચીન અને એક પ્રાચીન એવાં એકબીજાથી સામા છેડાનાં દૃષ્ટાંતોને કથારૂપે વર્ણવે છે. અલબત્ત, વાર્તાન્ત લેખકને એટલું જરૂર સૂચવવું છે કે અર્વાચીનકાળની કન્યા પરીક્ષા એ તો માત્ર તૂત જ છે જ્યારે પ્રાચીન કાળની નરપરીક્ષામાંથી તો પરસ્પરમાં રહેલા ગુણદોષની ચકાસણી કરવાની વૃત્તિ જ વધારે હતી.

જાહેર જીવનમાં ઉમદા જણાતો માનવી એના અંગત જીવનમાં કેટલીકવાર કેવો હીન હોય છે એ નિરૂપતી ‘રૂપતૃષ્ણા’ વાર્તામાં ઊજળા માણસોના અંધારિયા જીવનની કથા આલેખાઈ છે. ઇન્દોરનરેશ સર તુકોજીરાવ હોલ્કરના જીવનમાં આવેલી રૂપરમણી મુમતાજને કારણે વેરઝેરના કેવા તાણાવાણા રચાયા, રૂપ તૃષ્ણા કેવી વિષકર નીવડી એનું નિરૂપણ કરતી આ વાર્તા અંગ્રેજ રાજ્યઅમલની સામે દેશી રાજ્યોની વિલાસિતાનું વરવું પણ વાસ્તવિક ચિત્ર ઉપસાવે છે.

‘અધઃપાત’ શીર્ષક નામફેરે અગાઉના વાર્તાસંગ્રહમાંથી પુનરાવર્તિત થયેલી વાર્તા જેમાં માનવીના જીવનમાંની રૂપતૃષ્ણાની જેમ લક્ષ્મીતૃષ્ણા કેવો વિનિપાત સર્જે છે તેનું નિરૂપણ થયું છે. તો ‘મેઘદૂત’માં સંસારના રસતરસ્યાં રસિક-રસિકાની કાળી વ્યથાને વર્ણવતું મેઘદૂત થોડા શબ્દો અને રૂપફેરે વાર્તાનો પ્રસંગ બને છે. આ વાર્તાની ગદ્યશૈલી માણવા જેવી છે. જ્યારે હરખામાંથી હર્ષચંદ્ર બનેલ ગામડાના ભોળા, નિર્દોષ અને સેવાભાવી જુવાનમાંથી અમેરિકન સંસ્કૃતિના વરવા રૂપમાં વિકૃત મનોદશાવાળા બનેલ યુવાનની કટાક્ષ કથા ‘હર્ષચંદ્ર’ પરદેશી સંસ્કૃતિએ આપણામાં કેવી વિકૃતિ જન્માવી છે એને આલેખે છે.