પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૪૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરેલ યોગીને કામી કરતાં પણ ઊતરતો ઠરાવે છે. પૌરાણિક કથાસંદર્ભવાળી આ વાર્તામાં ઋષિપત્નિ રુચિનું કામીપણું, ઋષિ દેવશર્માને સતત પજવતી પત્નીના શીલની ચિંતા, શિષ્ય વિપુલની ગુરુપત્નીને બચાવવા ઇન્દ્ર સાથેની અને એ દ્વારા કામ સાથેની લડત, ગુરુ દ્વારા ‘મહાત્મા’ પદની નવાજેશ પછી આવતું અભિમાન, ઋષિપત્ની રુચિનો પશ્ચાત્તાપ વગેરે અંશો ટૂંકાણમાં છતાં સુંદર ઊપસ્યાં છે.

એક સ્ત્રીના પગના ઝાંઝરને કેન્દ્રમાં રાખી લખાયેલી સંગ્રહની શીર્ષકનામી વાર્તા ‘પગનું ઝાંઝર’માં વાર્તાકારે એક એવી સ્ત્રીના મનોભાવોનું ચિત્રણ કર્યું છે જે ગૃહસ્થ હોવા છતાં મનની વેશ્યા છે. પગનાં ઝાંઝર દ્વારા યોગીને ભોગી બનાવવા ઇચ્છતી વાર્તાની નાયિકા મદનમોહના જ્યારે પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ નીવડે છે ત્યારે સ્ત્રીચરિત્રથી યોગી ઉપર ચોરીનો આરોપ મૂકી એને સમાજના ધુત્કારનું કેન્દ્ર બનાવે છે. મનનો નિર્લેપ યોગી આ પરિસ્થિતિમાં પણ જળકમળવત્ રહી પોતાનું ઉદાત્ત યોગીપણું બતાવે છે, ત્યારે નિષ્ફળ મદનમોહના પશ્ચાત્તાપ અને દુઃખની આગમાં પ્રજળે છે. આમ અહીં સ્ત્રીનું ઝાંઝર જે યોગીને જંજીર પહેરાવવાનું નિમિત્ત બને છે તે ખરા અર્થમાં યોગીને માટે તો મુક્તિનું ઝાંઝર બની રહે છે અને સ્ત્રી માટે પશ્ચાત્તાપની જંજીર.

સુરાષ્ટ્રની સ્થાપના દ્વારા ધર્મસ્થાપનનો સંદેશ આપતી ‘રામદાસ અને ધર્મદાસ’ વાર્તા રાષ્ટ્રસેવક શિવાજી અને રાષ્ટ્રગુરુ રામદાસની રાષ્ટ્રપ્રીતિનું અનુપમ નજરાણું છે. દાનવતાની બહુમતી અને માનવતાની લઘુમતીવાળા સમાજમાં માનવતાની રક્ષા કાજે સર્વ સમર્પણ કરવાની માનવીની ફરજ ગુરુ રામદાસ દ્વારા સુંદર રીતે વર્ણવાઈ છે.

ગાંધીજીનું અવિજયીપણું એમના સત્ય ને અપરિગ્રહના વ્રતોમાં હતું એ દર્શાવતી ‘ભાવિ ભારત સમ્રાટ’ વાર્તા અંગ્રેજ અને ભારતીય સંસ્કૃતિની ભિન્નતાને અને ગાંધીજીના મસ્ત તથા દીનજન તરફ સમભાવભર્યા વ્યક્તિત્વને આકર્ષક રીતે ઉપસાવે છે. સાચી તાકાત શરીરબળ, લક્ષ્મીબળ કે વાણીબળમાં નથી પણ અંતરબળમાં છે એ દર્શાવતી આ વાર્તા ભારતના ભાવિ સમ્રાટનું જે ચિત્ર ઉપસાવે છે તે અનોખું છે.

‘તીન મૂર્તિ’ વાર્તામાં એક અસુર સ્ત્રીની વાત છે જે પોતાના જીવન