પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૪૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાચી ઇશ્વરશ્રદ્ધાનો સંદેશ આપે છે તો પૌરાણિક સંદર્ભયુક્ત ‘બે અડધિયાં’ વાર્તા એક એવા માનવીની વાત કથે છે જેણે પોતાનામાંના નર અને નારીરૂપને ઉપયોગ કરી માણસ અને ભગવાન, નર અને નારાયણ જેને મારવા સમર્થ ન બન્યાં એવા ભીષ્મને હણીને સંસારમાં ધર્મની સ્થાપનાનો, સત્યની પ્રતિષ્ઠાનો માર્ગ ખુલ્લો કર્યો. અહિચ્છત્રા નગરીના રાજા દ્રુપદને પુત્ર શિખંડી જેનું લગ્ન થયું ત્યારે નારીરૂપ હતો - પત્નીના અપમાનજનક મહેણાંથી કંટાળી તપ કરી યક્ષ પાસેથી તેણે પુરુષત્વનું વરદાન મેળવ્યું. એનામાં રહેલા નર અને નારી અંશોનો ઉપયોગ મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીષ્મના સંહાર વખતે કરવામાં આવ્યો. પૌરાણિક કથાનકમાં અર્વાચીનતાનું તત્ત્વ ઉમેરીને લખાયેલી આ વાર્તામાં પુરુષ અને સ્ત્રી જે અડધિયારૂપે અપૂર્ણ છે તેનું અને જેનામાં સ્ત્રીત્વ અને પુરુષત્વનો કલ્યાણાર્થે સમન્વય થયો છે એવા અનોખા મનુષ્યત્વનો મહિમા વર્ણવાયો છે.

‘મુરલી’ એક એવી ગણિકા સતી નારીની કહાણી છે જેણે એક રાજવીની ઉપપત્ની તરીકે રહીને પણ રાજવી તરફ અનોખા અનુરાગનું દર્શન કરાવ્યું. પ્રેમ એ કોઈ વેચાણની ચીજ નથી, પ્રેમનાં હાટ ન મંડાય, એક વાર જેને ચાહ્યો તેના થઈને જ રહેવાના ઓરતા સેવતી આ નારીએ દુન્યવી આકર્ષણોનો મુકાબલો તો મક્કમ મનોબળથી કર્યો જ પણ સાથે સાથે દુનિયાનાં સિતમોની વચ્ચે પણ તે અવિચલ રહી. માધવની મુરલી સમાન પ્રિય આ વાર્તાની નાયિકા મુરલીનું આંતરબાહ્ય સૌંદર્ય વાર્તામાં સોળે કળાએ મુખરિત બન્યું છે.

કલાવંતની કલાની કદર કલાપારખુ સિવાય કોઈ કરી શકતું નથી અને કલાકારને મોટે ભાગે જિંદગીમાં દુઃખના વિષઘૂટડા જ ગળવાના આવે છે, એ વર્ણવતી ‘મુજરો’ વાર્તામાં કચ્છના કલાવંત રાજવી રાવ લખપતની કથા વર્ણવાઈ છે. વિવિધ કલામાં પ્રાવીણ્ય ધરાવતા આ રાજવીની કલા ઉપર મોહિત થઈને દિલ્હીની કેટલીક કલાપારખુ ગાનારીઓ રાજવીના ઇજનથી કચ્છમાં ગઈ અને ત્યાંની થઈને રહી. પણ દિલ્હી લખનઉની આ રૂપવંતી નારીઓએ લખપતના આખા ય અંતઃપુરને ભડકાવી મૂક્યું. રજવાડાંની ખટપટે જ્યારે એના પ્રાણનો ભોગ લીધો ત્યારે એની જલતી ચિતા ઉપર એક પણ રાણીએ સહગમન કરવા તૈયારી ન બતાવી એ સમયે આ કલાપ્રિય આત્મા સ્વર્ગમાં કલાથી વંચિત ન રહે એ માટે દિલ્હી લખનઉની આ