પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૫૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સમાજમાં સ્ત્રીનું સ્થાન સુધર્યું નથી. સ્ત્રી મોટે ભાગે વેદનામૂર્તિ જ રહી છે. ભોગની સામગ્રી જ બની છે. પુરુષે મરજી પડી ત્યાં સુધી એને ઘરની રાણી બનાવી છે, નહીં તો એનું સ્થાન દાસી સમું જ રહ્યું છે. આજે સ્ત્રીએ શિક્ષણ મેળવ્યું છે પણ શિક્ષણમાંથી જન્મતી અસ્મિતા એનામાં પાંગરી જણાતી નથી. અને એટલે જ જૂની કે નવી નારી વચ્ચે તાત્ત્વિક રીતે કોઈ તફાવત પડ્યો નથી. પુરાણયુગમાં નારી વેદનામૂર્તિ હતી, અર્વાચિનકાળે એ વિલાસમૂર્તિ છે. એકમાં અંધશ્રદ્ધાનો અત્યાચાર છે તો બીજામાં આધુનિકતાનો અનાચાર. આ જ કારણે નારીજીવનની વાર્તાઓ દ્વારા વાર્તાકાર એ સૂચવે છે કે પરિસ્થિતિને પરવશ પડેલી સ્ત્રીને સારી-નરસી કહેવી ઉચિત નથી, કારણ કે સ્ત્રી પોતાનું સત્ત્વ ને સ્ત્રીતત્વ ખીલવે એવું વાતાવરણ હજી આપણે ત્યાં મોટે ભાગે ઘડાયું નથી.

જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિમાં સામાજિક વાર્તાઓ પછી સંખ્યાની વિપુલતાની દૃષ્ટિએ નોંધનીય છે એમની ઐતિહાસિક પૌરાણિક વાર્તાઓ. ‘ઉપવન’, ‘માદરે વતન’, ‘યાદવાસ્થળી’, ‘ગુલાબ અને કંટક’ તથા ‘વીર ધર્મની વાતો’ વગેરે સંગ્રહોની મોટાભાગની વાર્તાઓ ઇતિહાસ-પુરાણને આધારે સર્જાઈ છે.

વાર્તાકાર જયભિખ્ખુની ઇતિહાસવિષયક વાર્તાઓમાં જે ઇતિહાસ નિરૂપાયો છે તે ક્યાંક પ્રાચીન છે, ક્યાંક મધ્યકાલીન છે તો ક્યાંક સમકાલીન પણ છે. આ વાર્તાઓમાં તેઓ ઇતિહાસને ઠીક ઠીક વફાદાર રહ્યા છે. ક્યાંક ઇતિહાસનું પ્રમાણભૂત ચિત્ર આપીને તેઓ વાર્તાને આધારે અસરકારક બનાવે છે. આ વાતની પ્રતીતિ ‘મૃત્યુ મહોત્સવ’ (વીરધર્મની વાતો ભા. ૩) વાર્તામાં જયભિખ્ખુએ મંત્રી ઉદયનનું પાત્ર જે રીતે ઉપસાવ્યું છે તેને આધારે થાય છે. સંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી ધીરુભાઈ ઠાકર કહે છે, “શ્રી કનૈયાલાલ મુનશીની નવલોમાં ઉદયન મંત્રીનું કૈક અંશે કાયર, ધર્માંધ અને શિથિલ ચારિત્ર્યના રાજપુરુષ તરીકે જે ચિત્ર રજૂ થયું છે, તેનાથી તદ્દન ભિન્ન પ્રતિનું અને છતાં વિશેષ પ્રમાણભૂત એવું એનું ચિત્ર અહીં મૂકીને શ્રી જયભિખ્ખુએ ગુજરાતના ઇતિહાસની એક અગત્યની હકીકત પર પ્રકાશ ફેંક્યો છે. (અંગૂલિનિર્દેશ, પૃ. ૧૨). એ જ રીતે ‘વીર જયચંદ્ર’ (માદરે વતન) દેશદ્રોહી તરીકે વગોવાયેલા રાઠોડ વીર જયચંદ્રના ઉજ્જવળ