પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૬૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સ્વરૂપના આકાર પરત્વે એકસરખાં ધોરણોથી ચર્ચા કરી શકાતી નથી. જયભિખ્ખુના લેખનમાં પણ એ જ મુદ્દો આગળ તરી આવે છે. ‘મિષાંતરે વા’માં આઠમા દાયકાની ગુજરાતી ટૂંકી વાર્તાને સમજવા માટે ડૉ. પંચૂ વ્યાસે કરેલી સ્વરૂપ અને સામગ્રીના પારસ્પરિક પ્રભાવની વિચારણા કોઈ પણ કાળની વાર્તાઓ માટે સરખી વિચારણીય બને છે. તેઓ લખે છે : ‘સ્વરૂપને કેન્દ્રમાં રાખીને સામગ્રીની શક્યતાઓનો અને સામગ્રી કેન્દ્રમાં રાખી સ્વરૂપની શક્યતાઓનો - એમ દ્વિવિધ શક્યતાઓનો વિચાર, સ્વરૂપ અને સામગ્રીના પારસ્પરીક પ્રભાવની શક્યતાઓના વિચાર સુધી વાર્તાને આપોઆપ પહોંચાડે છે. કોઈ એક આકૃતિને મૂર્ત કરવા માટે ધાતુ કે માટીના ઉપયોગથી પ્રક્રિયામાં ફેર પડવાનો જ, અથવા આકૃતિને સહજ રીતે વિકસાવા દેતાં એના નિર્માણમાં સામગ્રીનું ગૌણત્વ કોઈ નવું જ પરિણામ આપવાનું. એવો પણ અનુભવ થાય કે આકારનું પ્રાધાન્ય સામગ્રી વિષેના પરંપરિત ખ્યાલોને જ ગૌણ કરી નાખે. તેથી ઊલટું, સામગ્રીની મહત્તાનો ખ્યાલ સરવાળે પ્રાધાન્ય પામી જાય, એવું પણ બને. મૂળ સવાલ તો કલાકૃતિના સર્જનનો જ રહે. શક્યતાઓ વિસ્તરતી રહે, વ્યાયામ થતો રહે, તો સર્જનાત્મક દિશાની એ પણ નોંધપાત્ર ઘટના ગણાય.’ (‘મિષાંતરે વા’ - ચં. પૂ. વ્યાસ, પ્રકા. : પૂલસા પ્રકાશન, પૃ. ૧૧૯, પહેલી આ.)

જયભિખ્ખુની વાર્તાઓ સર્જાઈ હશે ત્યારે ત્યારે સ્વરૂપલક્ષી વિશેષ સભાનતા તો સ્વાભાવિક રીતે જ નહિ હોય. અને તેથી જ, આપણે સામગ્રીના અનુસંધાનમાં જ નીવડી આવેલાં વાર્તાસ્વરૂપોની ચર્ચાવિચારણા કરી છે. એમાંથી સરવાળે એવો અનુભવ થયો છે કે - કશી વિશેષ પ્રકારની સભાનતા સિવાય પણ - (બીજા શબ્દોમાં કહીએ તો કશા આયાસ વગર) ટૂંકી વાર્તાના સ્વરૂપને કેન્દ્રમાં રાખીને લેખકે પોતાની સામગ્રી જોગવી છે. અને મહદઅંશે એમાં સફળતા મળી છે.

મોંપાસા કહેતા કે તેઓને વાર્તાના કથાવસ્તુ તો પગમાં અડફેટે ચડે છે! આ અર્થમાં, વાર્તાકાર માટે વિષયવસ્તુને ઓળખવાની દૃષ્ટિ હોય તો પછી એની વાર્તાલક્ષી માવજત જ મહત્ત્વની બને. જયભિખ્ખુની માવજત તેઓના જમાનાને અનુરૂપ - બિનજરૂરી લંબાણ, સંદર્ભસંલગ્ન વિધાનોની યોજના વગેરેની - મર્યાદાઓ ધરાવે છે. એમ છતાં પોતાના વસ્તુસંદર્ભને