પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૬૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાર્તાકૌશલ્યથી પ્રભાવક બનાવતાં આલેખનનાં અનેક દૃષ્ટાંતો મળી આવશે . વસ્તુ સાથે સંકળાતાં પાત્રોની સક્ષમ અભિવ્યક્તિના અનુસંધાનમાં આપણે ‘લાખેણી વાતો’ વાર્તાસંગ્રહની બે વાર્તાઓ ‘લીલો સાંઠો’ અને ‘આંખ નાની આંસુ મોટું’ જોઈશું. બંને વાર્તાઓ મુખ્યત્વે માતાના પાત્રને કેન્દ્રમાં રાખીને વિકસેલી છે. પહેલીમાં પુત્ર માતાને તારે છે અને બીજીમાં પુત્ર માતાને મારે છે. વિષયવસ્તુની દૃષ્ટિએ બંને વાર્તાઓ વિચિત્ર પ્રકારનું નાવીન્ય ધરાવે છે. એ વિચિત્રતા માવજતની કુશળતાને લીધે વિશિષ્ટતા ધારણ કરીને વાર્તાઓને કલાત્મક બનાવે છે.

સામાન્ય રીતે મા દીકરાનો ભવસાગર ઉજ્જ્વળ અને સરળ બનાવી જીવનલક્ષી માર્ગદર્શન આપી એને પાર પાડવામાં - વારવામાં - મદદરૂપ બનતી હોય છે. જ્યાલે ‘લીલો સાંઠો’માં વયોવૃદ્ધ બાપ સદ્‌ગત થયા પછી જીવનના લપસણા માર્ગો પર સરતી જતી નવી-યુવાન માને અહીં દીકરો બચાવી લે છે અને સુયોગ્ય માર્ગે વાળે છે. ‘લીલો સાંઠો’માં વૃદ્ધાવસ્થામાં લગ્નેચ્છક બનેલા બાપની મનોવૃત્તિ પરથી વાર્તાને અંતે દીકરો પરદો ઉઠાવી લે છે અને સત્ય પ્રકાશમાં આવે છે, ત્યારે એ સચોટ અંત સમજાય છે. એ કરતાંય નવી માની વૃત્તિઓને સાત્ત્વિક માર્ગે વાળવા દીકરો જે પ્રયત્નો કરે છે એની માવજતને માણવી વધુ ગમે છે. માનવસ્વભાવનાં આંતરસંચલનોને અને એની વિચિત્રતાઓ તથા વિશિષ્ટતાઓને લેખકે પામીને સરસ રીતે વાર્તાકલાથી, ખૂબીથી પખાળ્યાં છે, એ અહીં ખાસ નોંધપાત્ર છે.

‘આંખ નાની - આંસુ મોટું’ પણ જગતના ઘટનાચક્રની ગતિ ઉલટાવી નાખે એવી કથા ધરાવે છે. મા, જનની ઊઠીને પોતાના પુત્રના મૃત્યુ માટે સક્રિય બનતી હોય, એવા વિષયવસ્તુને રજૂ કરવાની મથામણ જ મોટી હોય એ સમજાય એવું છે, કારણ કે સામાન્ય સંજોગોમાં ભાવકની ચિત્તવૃત્તિ આ પ્રકારની ઘટનાઓને સ્વીકારી શકતી નથી, એટલું જ નહિ પણ એની સ્વીકૃતિ માટે ચોક્કસ નકારાત્મક વલણ જ સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ જયભિખ્ખુએ આ વાર્તામાં પોતાના વસ્તુસંદર્ભને ન્યાય્યતા આપવા માનવમનનાં તળિયાં ખોદી-ઉલેચી નાખ્યાં છે અને અત્યંત સૂક્ષ્મ મનોવિશ્લેષણાત્મક અભિગમને વાર્તાકલાનો વિશેષ અર્થ આપી ભાવકને પોતાની સાથે રાખ્યો છે એ વાર્તામાં એ રમમાણ બની રહે એવું આયોજન કર્યું છે.