પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૬૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૪
નાટ્યકાર જયભિખ્ખુ

નાટ્યસર્જન અને નાટ્યનિર્માણ એ બે પ્રક્રિયા પરસ્પરની પૂરક છે અને તેથી જ રંગભૂમિ પર ઉત્કૃષ્ટ રીતે સાકાર થતી કૃતિને જ આપણે સક્ષમ નાટ્યકૃતિ તરીકે ઓળખીએ છીએ. સર્જક નાટ્યલેખન કરતો હોય ત્યારે, ભલે તે પોતાની લેખનપીઠ પર એ કાર્ય કરતો હોય, એમ છતાં એનું સર્જકત્વ સતત રંગભૂમિના રંગકર્મને જ સ્પર્શતું અને એ જ દિશામાં ગતિ કરતું હોય છે. આધુનિક સંદર્ભમાં તો કેટલાય સર્જકો રંગમંચ પર જ સર્જન થાય એવું આયોજન પણ કરતા જણાયા છે. એ મુદ્દો જયભિખ્ખુના નાટ્યસર્જનના અનુસંધાનમાં જવા દઈએ તો પણ, નવલકથાકાર કે વાર્તાકાર જયભિખ્ખુની સર્જનપ્રક્રિયાથી નાટ્યકાર જયભિખ્ખુ કઈ રીતે ભિન્ન પડે છે, એ મુદ્દો તો આપણા અભ્યાસ માટે પ્રસ્તુત મુદ્દો છે જ.

સર્જનાત્મક ભાષાનો વિચાર કરનારાઓ પણ કવિતા અને સર્જનાત્મક ગદ્યની કૃતિઓથી ભિન્ન રીતે અને વિશેષ રીતે નાટકની ભાષાનો વિચાર કરે છે. રંગમંચની દૃષ્ટિએ ગંભીર રીતે સર્જન કરતા લેખકોએ તો પ્રવક્તાની ભાષાને પણ નાટ્યક્ષમ બનાવવાનો આગ્રહ રાખ્યો છે. નાટકની ભાષા સંવાદઆયોજન દ્વારા પ્રગટ થતી હોય છે, એ જાણીતી વાતના અનુસંધાનમાં પાત્ર, પ્રસંગ, પરિસ્થિતિ - તમામને નાટ્યરૂપ, મંચનક્ષમ તથા પ્રત્યાયનક્ષમ બનાવતી પ્રક્રિયા એક દુરારાધ્ય પ્રક્રિયા છે. એ સ્વીકારવું જ રહ્યું. નાટ્યગ્રંથનાં પૃષ્ઠો પર લખાયેલો શબ્દ જ્યારે રંગમંચના વાતાવરણમાં પાત્રમુખે સાર્થક્ય પામીને પ્રસંગના રસભાવાદિને વધુમાં વધુ ક્ષમતાથી સિદ્ધ કરે, ત્યારે જ નાટક મહિમાવાન બને છે. આ સંદર્ભમાં જયભિખ્ખુ જેવા કોઈ નોંધપાત્ર નવલકથાકાર કે વાર્તાકાર જ્યારે નાટ્યસર્જન કરતા હોય છે ત્યારે એનો અભ્યાસ વિશિષ્ટ અનુભવ અને તારણો તરફ લઈ જાય તો નવાઈ પામવા જેવું નથી.