પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૭૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અલબત્ત છેલ્લાં થોડાં વર્ષો દરમ્યાન આપણા પ્રજાજીવનમાં ઠીક ઠીક જાગૃતિ આવી છે. અવેતન રંગભૂમિનો સંગીન વિકાસ થયો છે, રેડિયો તથા ટી. વી. કાર્યક્રમોમાં ગુજરાતી નાટકોને સારું મહત્ત્વ અપાઈ રહ્યું છે. નાટ્યલેખન તથા અભિનયન અંગે સરકાર દ્વારા હરિફાઈઓ યોજાઈ રહી છે એને પરિણામે કેટલાક આશાસ્પદ્ નાટ્યકારો તથા નાટકો બહાર આવી રહ્યાં છે ખરા. નવલકથાક્ષેત્રે તથા વાર્તાક્ષેત્રે વિપુલ પ્રદાન કરનાર શ્રી જયભિખ્ખુનો નાટ્યક્ષેત્રે થયેલો પ્રવેશ પણ આવી જ પલટાયેલી પરિસ્થિતિની ગવાહી પૂરે છે. રેડિયો અને રંગભૂમિની માંગને પૂરી પાડવા માટે શ્રી જયભિખ્ખુએ નવલકથા અને નવલિકાના ખેડાણમાંથી લેખિનીને થોડોક આરામ આપીને નાટ્યલેખન ભણી પ્રસંગોપાત વાળી, એના ફલસ્વરૂપે સાતેક નાટકો એમની પાસેથી મળે છે. ‘રસિયો વાલમ’ ‘પતિતપાવન’ ‘બહુરૂપી’ ‘પન્નાદાઈ’ ‘નરકેસરી’ આ પાંચ નાટકોનું એક ઝૂમખું ‘રસિયો વાલમ અને બીજાં નાટકો’ રૂપે ઈ. સ. ૧૯૫૫માં જયભિખ્ખુએ આપ્યું છે. આ ઉપરાંત ‘ગીતગોવિંદનો ગાયક’ અને ‘આ ધૂળ આ માટી’ મળીને કુલ સાત નાટકો જયભિખ્ખુ પાસેથી મળે છે. એમાંના પહેલાં ચાર રેડિયો ઉપર રજૂ થઈ ચૂક્યાં છે. એ પછી તેને સંસ્કારી, સંવર્ધિત કરીને પુસ્તકાકાર અપાયો છે. ‘ગીતગોવિંદનો ગાયક’ તથા ‘પતિતપાવન’ જિલ્લાવાર યોજાયેલી નાટક હરિફાઈઓમાં પ્રથમ સ્થાન મેળવી શક્યા છે. તેમાં યે ‘ગીતગોવિંદનો ગાયક’ તો જયશંકર સુંદરી જેવા સિદ્ધહસ્ત કલાકારના દિગ્દર્શનનો લાભ પણ મળ્યો છે. આ હકીકત તેમજ લેખકે કરેલી દૃશ્યો, ગીતો અને પાત્રોની યોજના તથા ભજવણી અંગે ક્યાંક ક્યાંક મૂકેલાં સૂચનો એ વાતની સાક્ષી પૂરે છે કે દરેક નાટક લખતી વખતે નાટકકારે તખ્તાને સતત નજર સમક્ષ રાખ્યો જ છે. વળી આ નાટકો રેડિયો માટે ઘણુંખરું લખાયેલાં હોવાથી એમાં દૃશ્યોની સાથે શ્રાવ્યતત્ત્વ પણ ભળેલું છે.

નાટકકાર જયભિખ્ખુની અડધી સફળતા તો એમણે કરેલી નાટ્યક્ષમ વસ્તુની પસંદગીમાંથી જ પ્રગટે છે. જયભિખ્ખુ પુરાણ, ઇતિહાસ કે દંતકથામાંથી એકાદ રસાળ અને ચમત્કૃતિજનક પ્રસંગને પસંદ કરીને તેને