પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૯૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મુખમાં સત્યની જ દુહાઈ કેમ રહી એનું નિરૂપણ છે. ‘લોહીમાંસથી લખાયેલા’માં વિદ્યાર્થી ક્રાંતિકારી ટોમસ ક્લાર્કસનની ક્રાંતિકથા છે. ‘ધૂળનું ફૂલ’માં દુઃખના ગજવેલમાંથી ઘડાયેલી અને જગતજનની બની ઇતિહાસમાં બેસન્ટ મૈયાના નામે પ્રસિદ્ધ થયેલી એની બેસન્ટની કર્મકથા છે. ‘માનવતાની મીણબત્તી’માં સેવાભાવી રેન્કો અને ‘તમન્નાનાં તપ’માં વિલિયમ જોન્સે સંસ્કૃતના અભ્યાસ માટે કરેલા પ્રયત્નોનો આલેખ મળે છે. આખા યે પુસ્તકમાં સહુથી વધુ ઉઠાવદાર બન્યાં છે. બ્રાઝિલમાં ખેડું લીર્નિજેન અને ઇતિહાસકાર કર્નલ ટોડનાં ચરિત્રો. ‘જગતનો તાત ગણાયો’ માં ઉજ્જડ ધરાને ખીલવવા મરજીવો બનીને મથનાર બ્રાઝિલનો ખેડુ લીર્નિજેન કેવું મથ્યો એનું સુરેખ નિરૂપણ છે. જ્યારે ‘અમર ટોડ’ માં રાજસ્થાનના ઇતિહાસને આલેખનાર કર્નલ ટોડના ચરિત્રને જયભિખ્ખુએ ઉપસાવ્યું છે અને ‘ફૂલ નવરંગ’ લોકમાન્ય ટિળક, શહીદ કિનારીવાલા, ઝંડુ ભટ્ટ, ભગવાન બુદ્ધ અને દેવદત્ત વગેરેના જીવનપ્રસંગો રજૂ કરે છે.

આ ઉપરાંત ધૂમકેતુ સાથે ‘પ્રતાપી પૂર્વજો’ ભા. ૧ થી ૪માં જે ચરિત્રલેખન જયભિખ્ખુએ કર્યું છે એમાં વીર નરનારીઓ, સંતો-મહંતો અને ધર્મસંસ્થાપકોના જીવનના એકાદ માર્મિક પ્રસંગ સાથે એમનું જીવનકાર્ય અને સંદેશ ચરિત્રકારે આલેખ્યાં છે. ‘દહીંની વાટકી’ માં ગોપાલ કૃષ્ણ ગોખલે વગેરે કેટલાય મહાપુરુષોના નાના પણ બોધક ને મર્મયુક્ત જીવનપ્રસંગો આલેખાયા છે. ‘યજ્ઞ અને ઇંધણ’ માં જયભિખ્ખુએ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજનો જીવંત ચિતાર આપ્યો છે તો ‘મહાન આચાર્ય આર્ય કાલક’ જેના વિષે એમણે બે ભાગમાં નવલકથા લખી છે. એનું આ પુસ્તિકામાં નાનકડું પણ જીવંત ચરિત્ર ઊપસ્યું છે. ‘હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠની જીવન ઝરમર’ ‘ધર્મજીવન’ નાનકડી ચરિત્રપુસ્તિકાઓ છે.

આ ઉપરાંત ‘વિદ્યાર્થી વાચનમાળા’ની દસ શ્રેણીમાં તેમણે કેટલાંક ટૂંકા પણ પ્રમાણભૂત અને પ્રેરક ચરિત્રો લખ્યાં છે તેનો પણ પરિચય લઈ લેવો જોઈએ. બાળકોના ચરિત્રઘડતરમાં, એમના વ્યક્તિત્વવિકાસમાં અને બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવાના ઇરાદાથી એ જમાનામાં પ્રાથમિક,