પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૨૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જયભિખ્ખુએ બાળકો અને પ્રૌઢોને ધ્યાનમાં રાખીને લખી છે. એમનું આવું સાહિત્ય એમાંના કથાના લઘુક ઘાટને કારણે નોંધનીય બન્યું છે. નાનકડું કથાવસ્તુ પણ જયભિખ્ખુના કથનને એવી સચોટ રીતે ઉપસાવી આપે છે કે એનો મર્મ હંમેશને માટે વાંચનારાના મનમાં વસી જાય છે. જયભિખ્ખુએ આપેલી કહેવતકથાઓ કિશોરોની ભાષાશક્તિને ખીલવવામાં ખૂબ ઉપયોગી થઈ પડે એવી છે. તો એમની પ્રાણીકથાઓને સંપ્રદાયની પરિભાષા તથા સાંપ્રદાયિક રંગોથી મુક્ત રાખીને રજૂ કરનારા તેઓ પહેલા સર્જક છે.

સ્વરૂપદૃષ્ટિએ જોઈએ તો જયભિખ્ખુ પાસેથી મળતા આ સાહિત્યમાં વાર્તાઓ, નાટકો અને ચરિત્રો મુખ્ય છે. એમાં વાર્તાઓ અને ચરિત્રોનું પ્રમાણ તો સારું એવું મોટું છે. જયભિખ્ખુનાં ટૂંકા અને પ્રમાણભૂત ચરિત્રો પણ ચરિત્રને વિષે વ્યક્તિજીવનની પ્રસંગકથા આલેખતા હોવાને કારણે તત્ત્વગત રીતે વાર્તા જ છે.

જયભિખ્ખુ પાસેથી મળતી ‘દીપક’ ‘જવાંમર્દ’ ‘માણસે માણસે ફેર’ જેવી શ્રેણીઓ અને ‘વિદ્યાર્થી વાચનમાળા’ ‘સદ્વાચન’ ‘જૈન બાલગ્રંથાવલિ’ જેવી ગ્રંથમાળાઓમાં ભાલ, કિશોર અને પ્રૌઢો માટે જીવનઘડતરમાં, સંસ્કારસિંચનમાં ઉપયોગી નીવડે એવી અનેક ગ્રંથિકાઓ મળે છે. એમાંથી કેટલાકમાં તો આપણા દેશના તેમ જ પરદેશના વિભૂતિસંપન્ન સ્ત્રી-પુરુષોને રસળતી બાનીમાં પરિચય કરાવવાનો પ્રયાસ છે. પૌરાણિક અને ઐતિહાસિક મહાન પુરુષો તથા સ્ત્રીઓ, અર્વાચીન ભારતના વિધાયકો, કવિઓ, ધર્મસંસ્થાપકો વગેરેનાં ટચુકડા જીવનચરિત્રો વિદ્યાર્થીઓને રસ પડે એવી રીતે જયભિખ્ખુએ વિદ્યાર્થી વાચનમાળામાં લખ્યાં છે તેને આધારે બાળકોને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન વગેરે વિષયોનું જ્ઞાન સરળ અને રસપ્રદ રીતે મળી રહે છે. આ વાચનમાળાઓ દ્વારા એમણે હિંદની મહાન વ્યક્તિઓ, વિવિધ સ્થળો વિષે જાણકારી પૂરી પાડીને કિશોરોમાં સ્વદેશના ગૌરવનું ભાન કરાવ્યું છે.

જીવનમાંગલ્યલક્ષી સર્જકનો હેતુ આવા સાહિત્યના સર્જન પાછળ પણ ઉમદા સાહિત્યના પ્રસાર-પ્રચારનો અને એ દ્વારા માનવીના સંસ્કારઘડતરનો જ છે. આ સંદર્ભમાં તેઓ કહે છે : ‘વિદ્ધદ્‌ભોગ્ય ઘણું ઘણું સાહિત્ય આપણે