પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૪૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ધૂમકેતુની ‘પૃથ્વી અને સ્વર્ગ’ વાર્તાનું સ્મરણ કરાવે એવા આ પ્રકરણના અંતે પણ સ્વર્ગસમી પૃથ્વી પર કમનસીબે પાર્થિવતાનું વાતાવરણ પેદા થાય છે, એની ઘટના આલેખાઈ છે. પરંતુ એ પહેલાં જે સ્વર્ગીય વાતાવરણ હતું એનાં યૌવન-પ્રકૃતિ-મસ્તીનાં કથનવર્ણનમાં લેખકે વચ્ચે વચ્ચે મૂકેલાં કેટલાંક વાક્યો આપણે ઉપર અલગ તારવ્યા છે. એ વાંચતા જ, સંપૂર્ણ રસમસ્તીથી તરબતર બનેલા વાતાવરણની એ ખુમારી છતી થવા ઉપરાંત, આટલાં રસમસ્તી હોવા છતાં અનાચાર કે વ્યભિચારને કશો અવકાશ નહોતો એ દાખવવામાં સમગ્ર ગદ્યવિધાન કેટલું મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે ?

રસમસ્તીની સમાંતરે જ રસમસ્તીની સમૂળી વિભાવના-પ્રજોત્પત્તિ-નો સંદર્ભ ઉપર મૂકેલાં દૃષ્ટાંતોમાં સૌ પ્રથમ નજરે તરી આવે છે. શૃંગારનો સંદર્ભ સાચા વાત્સલ્યને પુષ્ટિ આપતો હોય તો દુનિયાની કોઈ તાકાત શૃંગારને હલકો ઠરાવી શકે નહિ. વળી, શૃંગારની મસ્તી એ બ્રહ્મચર્ય- વિરોધીની હશે, પણ તે વ્યભિચાર-વિરોધીની પણ છે જ. પવિત્રતાનો આ બીજો, આગવો પણ મહત્ત્વનો સંદર્ભ પણ ધ્યાનપાત્ર બને છે. કવિતાના જીવનનો સંદર્ભ દાખવતું ત્રીજું વાક્ય રસમસ્તીની શાશ્વત મૂલ્યવત્તાનો મહિમા દાખવે છે. આમ ચોતરફની વિશેષ સમજદારીથી જિવાતું પૃથ્વી પરનું સ્વર્ગ, સ્વર્ગની જેમ જ મૃત્યુંજય પણ છે, કારણ કે મૃત્યુને પણ અહીંના સૌ જીવનનો જ એક ભાગ ગણે છે. એક પ્રકારનાં આ ચાર વાક્યો અહીં સાથે મૂકીને જોવાનો ઉપક્રમ એટલા માટે જ રાખ્યો છે કે તેથી લેખકે દર્શાવેલા એક વિશિષ્ટ પ્રકારના જીવનલક્ષી અનુભવની ઝાંખી કરવાનો યથાશક્ય પ્રયત્ન કરી શકાય. અહીં તો સંક્ષેપમાં આ પ્રકારનાં કેટલાંક દૃષ્ટાંતોથી ચલાવી લીધું છે. ખરેખર તો, કોઈએ આ પ્રકારનાં ગદ્યસર્જનોના અનેક નમૂનાઓ લઈને આ સંશોધનકાર્ય ધપાવવું જોઈએ.

જયભિખ્ખુની નવલકથાઓમાંથી એક નવા સ્વાદનું વર્ણન જોઈએ. ‘ભાગ્યનિર્માણ’માં પ્રેતાત્મા થયેલા હેમનું વર્ણન લેખક કરે છે. ‘અડધું કપાયેલું મસ્તક, ઝેરી સાપની ખૂની આંખ જેવો ચમકતો એક આંખનો ડોળો,