પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૫૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાથે સાથે એને કશાક ઉદાત્ત આનંદનો અનુભવ કરાવે એવું સાહિત્ય સમાજને ચરણે ધરવાની તમન્નાવાળા જયભિખ્ખુએ પોતાના સાહિત્યમાં રસિકતા અને ઊર્ધ્વગામિતાનો મેળ સાધવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. સાહિત્ય આમજનતાના ઉત્થાન માટે છે, જીવનઘડતર માટે છે, જીવનમાંગલ્ય માટે છે એ સત્યને સ્વીકારનાર આ સર્જકનું સાહિત્ય સ્વચ્છ, નિર્ભેળ અને માંગલ્યકર છે. આજે જ્યારે જીવનના નૈતિક મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે, વ્યવહાર અને આચારમાં અપ્રમાણિકતા, અનીતિ, ભ્રષ્ટાચાર ઘર કરતાં જાય છે, માનવસંબંધોની સચ્ચાઈ જ્યારે લાભાલાભના માપદંડે મપાઈ રહી છે ત્યારે આ સર્જક પલાંઠી વાળીને જીવનનું પરમ મંગલ ગીત વહેતું રાખે છે. નીતિપરાયણતા અને સદાચાર એ જ માનવકલ્યાણના રાજમાર્ગો છે એ દર્શાવવા એમની કલમ વણથંભી ચાલ્યે જ જાય છે અને એમનું સર્જન સંપ્રદાયની સીમાઓ વીંધીને જીવનસ્પર્શી સાહિત્ય બની રહે છે.

જયભિખ્ખુએ મોટે ભાગે ધર્મકથાનું માળખું પસંદ કરીને પોતાની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પનાશક્તિ દ્વારા એમાંથી માનવવૃત્તિઓના સંઘર્ષથી સભર પ્રાણવંતી કૃતિઓ સર્જી છે. ધર્મની જીવનવ્યાપી હવાને કલાની મોરલીમાંથી ફૂંકવાની અને રસવૃદ્ધિ સૂરાવલિઓ સર્જવાની ક્ષમતા ધરાવતા જયભિખ્ખુએ આ શક્તિના બળે જ કલાત્મક કૃતિઓ સર્જી છે.

કલમને ખોળે માથું મૂકી મા સરસ્વતી જે લૂખુંસૂકું આપે એનાથી જીવનનિર્વાહ કરવાનો નિશ્ચય કરનાર અને એને કપરા સંજોગોની વચ્ચે પણ અડગ મનથી પાળનાર જયભિખ્ખુના જીવનનાં અંતિમ વર્ષો શારિરીક બિમારીથી ઘેરાયેલાં હતાં. ડાયાબિટિસ, બ્લડપ્રેશર, આંખોની કચાશ, કબજિયાત અને કફની તકલીફની વચ્ચે પણ આ નિજાનંદી સર્જક ઇચ્છાશક્તિને બળે આનંદથી જીવતા હતા એટલે જ રોજનીશીમાં તેઓ લખે છે, ‘મનમાં ખૂબ મોજ છે. જિંદગીને જીવવાની રીતે ઉજવાય છે.’ અંતિમ સમયે હૃદયની એક જ ઝંખના હતી, ‘કોઈ પાણીનો પ્યાલો આપે અને પીવડાવે, તેટલીયે લાચારી મૃત્યુવેળા ન જોઈએ.’ તે સાચું પડે છે. ઈ. સ. ૧૯૬૯ના ડિસેમ્બરની ૨૪મી તારીખને બુધવારે જયભિખ્ખુની સ્થૂળ જીવનલીલા સમેટાઈ જાય છે.