પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૬૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાહિત્યમાં પણ જીવનલક્ષી સાહિત્યકાર જ સર્વત્ર છવાયેલો છે. એક રીતે જોઈએ તો કલમને વહેતી મૂકનાર કોઈપણ સર્જક સરવાળે તો જીવનલક્ષી જ હોય છે. જીવન જીવતા મનુષ્યોના અનુભવો અને પોતાના અધ્યાસોને આધારે સર્જક સાહિત્યની રચના કરે છે, અને એ દ્વારા જીવન જીવતા મનુષ્યોને સ્પર્શવાનો એને અભિલાષ હોય છે. આ બાબત પત્રકારને તો અનેકધા લાગુ પડે છે. પત્રકારનું કર્તવ્ય જ સમાજજાગૃતિનું છે. સમાચાર હોય કે કટારલેખન, પત્રકારે સૌ પ્રથમ વ્યવસાયની આદર્શવૃત્તિ જાળવવાની હોય છે. જયભિખ્ખુએ એ આદર્શો જાળવ્યા છે અને માનવમૂલ્યોની વિવિધલક્ષી પ્રતિષ્ઠાને અદકેરી સિદ્ધ કરી છે.

જયભિખ્ખુના સાહિત્ય અંગે ચર્ચા-વિચારણા કરતાં આપણે એકાધિક વાર કહ્યું છે કે આ લેખકે સતત લખ્યું છે. તેઓએ પોતાનો સહૃદય વર્ગ પણ ટકાવી રાખ્યો છે, એટલું જ નહિ, કેટલાક વિદ્વાન વિવેચકોએ પણ તેમના સાહિત્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રસ દાખવ્યો છે. અલબત્ત જયભિખ્ખુને સાચો ન્યાય મળે, એટલું તેઓના સાહિત્યનું અધ્યયન થયું નથી. ચન્દ્રકાન્ત બક્ષી જેવા જબરું લખતા સર્જક તો કહેશે કે સફળ લેખકને વિવેચકના અભ્યાસની ખાસ ચિંતા હોતી નથી. વળી, આપણે ત્યાં આજે મૈત્રી વિવેચનનાં કાટલાંથી સાહિત્યિક સમીક્ષાઓનાં વજન જોવાય છે, ત્યારે બક્ષીની વાત વિચારવા જેવી પણ લાગે જ છે. આગળ વધીને એમ કહી શકીએ કે કોઈ પણ સફળ સર્જકની કોઈને ને કોઈને ક્યારેક તો ગરજ પડતી જ હોય છે. આ શોધનિબંધ પણ એવી જ કોઈ ગરજનું પરિણામ છે.

જયભિખ્ખુના સમગ્ર સાહિત્યસર્જનને અભિવ્યક્ત કરતી ગદ્યશૈલીનો મુખ્ય ગુણ એ કે તેઓ લેખન પરત્વે માંગલ્યદર્શી પ્રશિષ્ટ સર્જક હોવા છતાં શૈલી પરત્વે રંગદર્શી રહ્યા છે. અત્યંત સામાન્ય કથયિતવ્ય હોય તો પણ એમાંથી કશુંક અણધાર્યું સાધવાનો તેઓનો અનોખો આનંદ હોય છે. કોઈપણ સર્જક જ્યારે પાત્ર કે પ્રસંગનું આલેખન કરતો હોય છે ત્યારે એના વર્ણનમાં કેવળ શબ્દોની રજૂઆત હોતી નથી, પણ શબ્દસંલગ્ન એકાધિક સંદર્ભો આક્રમણ કરીને એમાંથી યોગ્ય પસંદગી કરવા એને પ્રેરે છે. સર્જક જો પોતે સ્વાધ્યાય-પરિશીલન ધારણ કરતો હોય તો તે શૈલીબળે અનેક