પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૬૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

રાજધર્મ અને સાધુધર્મનો ભેદ બતાવતાં તેઓ કહે છે, ‘પ્રીતથી પ્રીત એ સાધુધર્મ અને ભયથી પ્રીત એ રાજધર્મ.’ (પૃ. ૨૦૬)

શ્રી રવિશંકર જોશી આ નવલકથાના ઉદ્દેશ વિશે જણાવતાં કહે છે : ‘આ નવલનો પ્રધાન ઉદ્દેશ કલાપૂર્ણ સૂચકતાથી એક જીવનસંદેશ આપવાનો છે. રાજકારણમાં સત્તા અને સમૃદ્ધિ મળે છે ખરાં, પણ તેમાં આચરવાં પડતાં કુટિલ પ્રપંચો, ઘોર નિર્દયતાભર્યા કૃત્યો, હૃદયના રસપ્રવાહો ઉપર મૂકવાં પડતાં પથ્થર સમા કઠોર ઢાંકણો, અખંડ ચિંતાના સહેવા પડતા દાહ અને પરિણામ-શૂન્યતા : આ બધાં અગ્નિજ્વાળાઓ વચ્ચે જીવતાં હોઈએ એવું રાજકારણનું જીવન બનાવી મૂકે છે. ઇન્દ્રિયભોગ, વિલાસ સૌંદર્યવાસના ક્ષણિક, નિર્વેદકર, અશક્ત બનાવનાર, સ્વાર્થપોષક અને જન્મજન્માંતરનાં બંધનો ઉત્પન્ન કરનાર છે. તેનાથી નથી થતું લોકકલ્યાણ કે આત્મકલ્યાણ, ઇન્દ્રિયો, વાસનાઓ અને ભોગવૃત્તિઓ સંવર કરી આત્મસિદ્ધિને પંથે પળતાં જ શાસ્વત શાંતિ, હૃદયની વિશાળતા, વ્યાપક માનવબંધુત્વ અને જન્મજન્માંતરનો વિકાસ પ્રાપ્ત થાય છે. કામક્રોધાદિનો સંયમ પ્રાપ્ત કર્યા પછી જ સાચી શાંતિ અને આનંદ પ્રાપ્ત કર્યા પછી જ સાચી શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે. વિલાસી જીવન, રાજકીય જીવન અને ધર્મજીવન એ ત્રણેમાં અંતિમ અને ઉચ્ચતમ શિખર છેલ્લું છે એ મંત્ર કલાપૂર્ણ સૂચકતાથી આ નવલમાંથી લેખક ગુંજતો કરી શકે છે.’ (પૃ. ૧૩, આમુખ)

જયભિખ્ખુ પોતે કથાનો મર્મભાવ જણાવતાં કહે છે : ‘આ નવલકથામાં પાત્રો એક જ વાત કહે છે, અને એને જ કથાનો મર્મભાવ કલ્પી શકાય. પૂર્ણ તો એક સિદ્ધાત્મા કે પરમાત્મા છે, એ સિવાય અપાપી હોવાનો દાવો કોઈ મનુષ્ય કરી ન શકે. માનવ ભૂલનો ભંડાર છે. એટલે એવો એક માનવી બીજા માનવીની ટીકાનો અધિકારી નહિ, પણ સહાનુભૂતિ ને સમવેદનાનો અધિકારી છે… આ વાર્તાનું હાર્દ એટલું જ નહિ કે માણસ સંસારમાં બધું જીતી શકે છે, પણ કામ જીતવો મુશ્કેલ છે. અને જેણે કામ જીત્યો એને સંસારમાં જીતવા જેવું બહુ ઓછું બાકી રહે છે.’ (પૃ. ૮, પ્રસ્તાવના). ટૂંકમાં માનવીને દોષી, દુર્ગુણી કે પતિત તરફ હમદર્દ બનવું ઘટે છે. પાપને બદલે પાપીની ઘૃણા એ પણ એટલું જ પાપ છે એટલે જીવનવિકાસનું બીજ અહંતાના ત્યાગમાં અને સહૃદય બનવામાં છે એ વાત લેખક કલાપૂર્ણ પીતે ધ્વનિત કરે છે.