પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૮૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૬૭
 

પત્ની લાડુમલિકા, હેમરાજની પત્ની કુંદનદેવી, યુદ્ધને ધિક્કારનાર હેમરાજના પિતા રાજપાલજી, આગ્રાનગરની સૌન્દર્યબજારની રૂપવાદળી ચિંતામણિ, ભોળો પણ શૂરવીર મોગલ બાદશાહ હુમાયુ, સેનાપતિ શાદીખાન વગેરેનાં ચરિત્રો સહૃદય માટે પ્રસન્નકર બન્યાં છે.

ઐતિહાસિક નવલકથાનું વાતાવરણ ઉપસાવવા લેખકે એ સમયના વેપારવણજ, રાજ્યકારભાર, એ સમયે પ્રચલિત વિવિધ વસ્તુઓની યાદી (પૃ. ૧૬૨), એ સમયના રણવાદ્યો (પૃ. ૧૬૦), એ સમયે પ્રચલિત વિવિધ પ્રકારના યુદ્ધવ્યૂહ (પૃ. ૧૮૩) વગેરેની જાણકારીને પણ નવલકથામાં શબ્દરૂપ આપ્યું છે. લેખકનું જ્યોતિષજ્ઞાન (પૃ. ૯૨), ઇતિહાસજ્ઞાન (પૃ. ૨૦૯) યુદ્ધનીતિમાં કયા સ્થળ પર કોણે અને કયા શસ્ત્રથી કેવી રીતે લડવું એનું જ્ઞાન (પૃ. ૧૮૪), તત્ત્વજ્ઞાનમાં યુદ્ધ સંબંધે અહઁ નીતિનું ઉદાહરણ (પૃ. ૧૮૩) વગેરે પણ નોંધનીય છે.

નવલકથાકાર જયભિખ્ખુ ક્યારેક સુંદર કાવ્યમય વર્ણન દ્વારા નવલકથાને રસરૂપ બક્ષે છે, જેમ કે —

‘દિલ્હીશ્વર શેરશાહના રાજ્ય પર પ્રભાતનો તપસ્વી હજી હમણાં જ ઊગ્યો હતો. શરદનું ઊંડું ભૂરું આકાશ ચાંદીની છીપ જેવી વાદળીઓથી શોભી રહ્યું હતું. સરોવરનાં કમળો અને જળાશયનાં પોયણાંઓએ હજી હમણાં જ ઉઘાડમીંચ આરંભી હતી. લીલી વરિયાળી જેવું તાજું ઘાસ મનને આહ્‌લાદ આપતું હતું.’ (પૃ. ૧૯૬) આ અને આવાં કેટલાંક વર્ણનો નવલકથામાં અત્રતત્ર નજરે પડે છે.

નવલકથામાં મુસ્લિમ સંસ્કાર અંગેનું વાતાવરણ જમાવવા માટે જયભિખ્ખુ પ્રસ્તાવનામાં જ કહે છે તેમ ‘આ ગ્રંથની ભાષા મારા બીજા ગ્રંથો કરતાં કંઈક ભિન્ન લાગશે. હિંદી ને ઉર્દૂ શબ્દોનો હળવો પ્રયોગ ને સંવાદોમાં ઘણે ઠેકાણે શેખ સાદી સાહેબ, મશહૂર સૂફઈ ઓમર ખય્યામ ને મહાકવિ હાફિજની સુંદર પંક્તિઓને અનુસર્યો છું. આજના સિનેમાના શબ્દો, મને લાગે છે કે, કંટાળો નહીં જ ઉપજાવે, બલ્ક એક નવી લહેજત આપશે.’ (પૃ. ૧૧, પ્રસ્તાવના) મુસ્લિમ વાતાવરણને ઉપયોગી શબ્દપ્રયોગો જેવા કે હિજરી સન (પૃ. ૧), જિલહજનો મહિનો (પૃ. ૧), મગરેબની નમાજ (પૃ. ૧), પોસ્તીનનો કોટ (પૃ. ૨), સરપરસ્તી (પૃ. ૨), કદમબોસી (પૃ. ૨),