આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પદ્મશ્રી દુલા ભાયા કાગ

અને 'યોગનિષ્ઠ આચાર્ય” એ ત્રણ ચરિત્રોમાં નિરૂપણની નવી ભાત જયભિખ્ખુને યશ આપનારી બની છે. તો ભગવાન મહાવીરને અનુલક્ષીને લખાયેલ 'નિગ્રંથ ભગવાન મહાવીર' અને 'ભગવાન મહાવીર’ એ બે ચરિત્રો દ્વારા જયભિખ્ખુની ચરિત્રકાર પ્રતિભાનો ઉન્મેષ છતો થયો છે. 'પ્રતાપી પૂર્વજો' એ ધૂમકેતુ સાથે લખાયેલાં પ્રેરક ચરિત્રો છે. એમાં વીર નરનારીઓ, નરોત્તમો, સંતો-મહંતો તથા ધર્મસંસ્થાપકોનાં પ્રેરણાદાયી સાથે ચરિત્રોનું આલેખન થયું. 'સિદ્ધરાજ જયસિંહ,’ ‘ઉદા મહેતા' અને 'મંત્રીશ્વર વિમલ' એ ત્રણ ચરિત્રો દ્વારા યુવાનોને ઉમદા ચારિત્રનો પરિચય કરાવ્યો છે. મુનશી કરતાં જયભિખ્ખુનો 'ઉદા મહેતા' જુદો છે. એ જ રીતે સિદ્ધરાજ જયસિંહના ચરિત્રાલેખન દ્વારા ઉજ્વળ પાત્રને છતું કર્યું છે. એમણે સ્પષ્ટતા પણ કરી છે કે – 'મેં બને તેટલા ઇતિહાસમાંથી સત્ય તારવવા પ્રયત્ન કર્યો છે. અર્ધસત્યો ને અસત્યોથી દૂર રહેવા યથાશક્ય યત્ન કર્યો છે. ધર્મઝનૂનથી લખાયેલી વસ્તુઓને બને તેટલી ગાળી નાખી છે.' અન્ય ગ્રંથોમાં ટૂંકા ચરિત્રાત્મક લેખો છે, જેમાં સમાજનાં વિવિધ ક્ષેત્રોની વ્યક્તિઓ વિશે લખાયેલું છે જે મહદંશે અખબારી કૉલમની નીપજ છે. એમના ચરિત્રસાહિત્ય પર નજર કરતાં એમણે અનેક વ્યક્તિઓનાં જીવનનું આલેખન કરીને સમાજને પ્રેરણાનાં પીયુષ પાઈને પલ્લવિત કરવાનો પ્રયાસ કર્યાનું પમાય છે. એ ગુણજ્ઞ છે અને સમાજ પણ એવો બને એવી એમની મનીષા રહી છે. આ સમાજ ઘડવાનું કામ છે. અલબત્ત, પોતે પણ ઘડાયા છે. એમની સંસ્કૃતપુરુષની છવિની પ્રચ્છન્નતામાં અનેક ચરિત્રોનો પ્રભાવ પડેલો છે. એમનું વિપુલ ચરિત્રસાહિત્ય ગુજરાતી ચરિત્રસાહિત્યને રળિયાત કરે છે. નટુભાઈ ઠક્કર એમાં એમની


૧૩
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ