આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સામાજિક જીવનનાં વિવિધ પાસાંઓને વ્યક્ત કરતી વાર્તાઓ મોટો ભાગ રોકે છે. ‘ઉપવન', 'માદરે વતન', 'યાદવાસ્થળી’, ‘ગુલામ અને કંટક' અને 'વીરધર્મની વાતો' એ વાર્તાસંગ્રહોમાં ઐતિહાસિક-પૌરાણિક વાર્તાઓ છે અને 'પારકા ઘરની લક્ષ્મી', 'કંચન અને કમિની', 'અંગના', 'કન્યાદાન' અને 'કર લે સિંગાર' નારીજીવનની વાર્તાઓ લખી છે. પ્રયોગની પળોજણમાં જયભિખ્ખુ પડ્યા નથી, પરંતુ ધીરુભાઈ ઠાકરને એમની વાર્તાઓમાં 'સંવેદનની સચ્ચાઈ અને કથનની સરસતા' દેખાઈ છે એ સાચું તારણ છે. વળી એમની રાષ્ટ્રપ્રીતિ પણ વાર્તાઓ દ્વારા વ્યક્ત થઈ છે. 'માદરે વતન' એ સંદર્ભે ઉલ્લેખનીય વાર્તાસંગ્રહ છે. એમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે – 'માદરે વતન તરફ મહોબ્બત જાગે, એના માટે અભિમાનથી શિર ઉન્નત થાય, સાથે કમજોરી તરફ ખાસ લક્ષ જાય, રાજકીય કાવાદાવાઓ ને રાજખટપટોનો કંઈક ખ્યાલ આવે, એવાં ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓ લક્ષમાં રાખી આ વાર્તાઓનું ગૂંથન કર્યું છે.' ધીરુભાઈ ઠાકરે બે ભાગમાં 'જયભિખ્ખુ વાર્તાસૌરભ'નું સંપાદન કર્યું છે. એમાં પચ્ચીસ વાર્તાઓ સંગ્રહિત કરી છે. આ વાર્તાઓ જયભિખ્ખુની વાર્તાકાર પ્રતિભાને સુપેરે વ્યક્ત કરે છે. ઊછરતી પેઢીની સાહિત્યરુચિ સંસ્કારે એવી વાર્તાઓ સંપાદકે સંપાદિત કરી છે. વાર્તાકાર તરીકેની જયભિખ્ખુની આ વિકાસયાત્રા છે. 'શૂલી પર સેજ હમારી’ વાર્તાસંગ્રહના સંદર્ભે ધીરુભાઈ ઠાકર લખે છે :

જાદુગર કે. લાલ અને શ્રી નાનુભાઇ શાસ્ત્રી સાથે



૨૬
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ