આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘જયવિજય’: જયભિખ્ખુનું અમદાવાદનું નિવાસસ્થાન

બહુ જ ધીરજથી, શ્રદ્ધાથી અને હિંમતથી આ સ્થળનો પોતાનો વસવાટ સ્થિર કર્યો. 'મુશ્કેલીથી મુંઝાતાં એ કદી શીખ્યા નથી.' એવું નોંધીને લાભુભાઈ કે. જોશીએ ચંદ્રનગરમાં રહેતા શ્રી નેથનીયલનો કિસ્સો ટાંક્યો છે તે જયભિખ્ખુની નીડરતા-નિર્ભયતાનો દ્યોતક છે. એમના શબ્દોમાં એ પ્રસંગ જોઈએ : 'શ્રીમતી નથનીયલે બહુ જ હિંમતપૂર્વક કિરપાણને હાથથી પકડી લીધી અને 'કાકા, બચાવો; કાકા, બચાવો'ની બૂમો પાડવા માંડી. આ દંપતી બાલાભાઈને કાકાના નામથી સંબોધતું. આ બૂમો શ્રી બાલાભાઈના કાને પડતાં જ ચા-નાસ્તાની ડિશને હડસેલીને ખુલ્લા શરીરે અને ઉઘાડા પગે તરત જ તેઓ બાજુના બંગલામાં દોડ્યા. જોયું તો બન્ને પુરુષો બહાર નીકળી નદી તરફના રસ્તે દોડતા જતા હતા. તેમની પાછળ શ્રી બાલાભાઈએ દોટ મૂકી. આ દોડધામ થતી જોઈને હું, બાલાભાઈનો પુત્ર કુમાર તથા સોસાયટીના પગી તથા બીજા બે-ત્રણ ભાઈઓ પણ નદી તરફ ઝડપથી દોડ્યા. પેલા બંને શખ્સો નદીમાં પડીને સામા કાંઠાની સુએઝ ફાર્મમાં ટેકરાવાળી ઝાડીઓમાં સંતાયા. શ્રી બાલાભાઈએ તેમનો છેક સુધી પીછો કર્યો. માર્ગમાં નદીના કાદવમાં તથા ટેકરાના કાંટાળા માર્ગમાં ખુલ્લા પગે દોડ્યા જ કર્યું. બેમાંથી એક પકડાયો.


૨૯
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ