પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૦૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૮ ]

જીભ પણ ચપ્પુ વડે કાપી લેવી, કેમ કે નાક-કાન તો બિચારાં આ વાતમાં નિર્દોષ છે. વાદવિવાદમાં જે કાંઈ દોષ થશે તે તો જીભનો જ થશે !'

ઝંખવાણા પડીને પંડિત પાછા વળ્યા.

છપરા ગામના પંડિતો પણ સ્વામીજીની સામે ઉઠ્યા અને જગન્નાથ નામના એક પ્રસિદ્ધ પંડિતની સહાય લેવા ગયા. પંડિત બોલ્યા 'હું તો ઘણો યે દયાનંદનો સામનો કરવા તૈયાર છું, પણ મારે એ દુષ્ટનું મ્હોં જોવાથી પ્રાયશ્ચિત કરવું પડે એ જ મોટી પીડા છે ને !'

આ સમાચાર જાણીને સ્વામીજી હસતા હસતા બોલ્યા 'અરે ભાઈ એવું હોય તો મારા પાપી મ્હોં પર પડદો ઢાંકી દેજો, પણ એને જરૂર આંહી તેડી જ લાવજો.'

સિંહાસન ઉપર બેસીને સ્વામીજી ઉપદેશ દેતા અને ઉપદેશ પૂરો થયે કોઇને પ્રશ્ન પૂછવા હોય તો તેને બેસવા માટે પોતાની સન્મુખ ખુરશી મુકાવતા. એક દિવસ એક પંડિત કહેવા લાગ્યા કે 'અમને નીચું આસન શા માટે આપો છો ? તમારા આસન જેટલી જ ઉંચી ખુરશી અમને પણ મળવી જોઇએ.'

સ્વામીજીએ હસીને કહ્યું 'ભાઈ, હું તો વ્યાખ્યાન દેવાની સુગમતા ખાતર જ ઉંચે બેસણે બેસું છું. છતાંયે જો આપને અપમાન લાગતું હોય તો સુખેથી એ ખુરશીને મેજ ઉપર ચડાવી, મારા કરતાં યે ઉંચેરા બની આ૫ બેસી શકો છો. બાકી તો શું કોઈ ચકવર્તી રાજાના મુગટ ઉપર બેસનાર માખી અથવા મચ્છર કાંઈ ઉંચાં બની જતાં હશે ? આસનની ઉંચાઈ નીચાઈ વિચારવાં આપને ન શોભે.'