પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૨૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૫]

ત્યાં તેણે પરમહંસ પરમાનન્દ સંન્યાસીની છાયા નીચે થોડા માસ વેદાન્તનો અભ્યાસ કર્યો. आत्मद्यत सर्व भूतेषु ની ભાવનાનો શુદ્ધ ચૈતન્યને આ પુણ્યસલિલા નર્મદાજીને તીરે પરિચય થયો.

પણ પરમાનન્દજીના છાત્રાલયમાં ચૈતન્યને ઝાઝો વખત ફાવ્યું નહીં. એને વેદ અને વેદાંતના અભ્યાસની તાલાવેલી લાગી હતી. દિવસની એક ક્ષણ પણ બીજા કામમાં ખર્ચવી પડે એથી એને ભારે દુઃખ થતું. અને પરમાનન્દજીના છાત્રાલયમાં દરેક બ્રહ્મચારીને સ્વયંપાક કરવો પડતો. ચૈતન્ય સંન્યાસીની દીક્ષા મેળવી, એ ઉપાધિમાંથી છૂટવા માંગતો હતો. પણ એને એ દીક્ષા ન મળી શકી. એ જ તીરે વસતા એક બીજા સંન્યાસી ચિદાશ્રમે પણ તેને આવી તરૂણ વયે સંન્યાસીનો દંડ આપવાની ના પાડી. ચૈતન્ય સંન્યાસીની દીક્ષા આપે એવા કોઈ સંન્યાસીના આગમનની વાટ જોતો નર્મદાને તીરે દિવસો ગણવા માંડ્યો.

ચૈતન્યને, ત્યાં તો, ખબર મળ્યા કે દક્ષિણવાળા પ્રખ્યાત દંડી સ્વામી તેના એક બ્રહ્મચારી શિષ્ય સાથે, નર્મદાને તીરે થઈ, દ્વારકા જાય છે. ચૈતન્ય એ દંડી સ્વામીને મળ્યો અને તેમની સાથે દ્વારકાની યાત્રા શરૂ કરી. દંડી સ્વામીના અમાપ જ્ઞાન અને આદર્શ આચાર જોઈ, ચૈતન્ય એ સાધુવર ઉપર મુગ્ધ થઈ ગયો. એ તપસ્વીના ચરણમાં તેનું મસ્તક ઢળવા લાગ્યું, અને દંડી સ્વામીને પણ ચૈતન્યના વિવેક ચાતુર્ય, અને બુદ્ધિપ્રભા જોઈ તેના ઉપર ભાવ ઉપજતો ગયો. એક દિવસે ચૈતન્ય, સાથેના બ્રહ્મચારી શિષ્ય દ્વારા દંડી સ્વામીને - એ પૂર્ણાનન્દ સરસ્વતીને પોતાની સંન્યાસી બનવાની ઈચ્છા જણાવી.

પ્રથમ તો પૂર્ણાનન્દ સરસ્વતીએ તેની નાની ઉંમર જોઈ ના પાડી, પણ છેવટે, એનો દૃઢ નિશ્ચય જોઈ સ્વામીજીએ શુદ્ધ ચૈતન્યને સંન્યાસીની દીક્ષા આપી. એનું દયાનન્દ સરસ્વતી