પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૪૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૭]

યોગીઓ જોયા, નિર્મળ ચારિત્ર્યની દાંડી પીટાવનારા સાધુઓને મલીન અને ચારિત્ર્યહીન ભાળ્યા, મંત્રોના મુખપાઠથી આકાશ ગજાવનારા પંડિતોને સાવ પડિતાઇ શૂન્ય અવલોક્યા, ગુરૂઓને અને ગાદીપતિઓને ઠગારાઓ અને ધૂર્તો દેખ્યા, અને એ બધાની સત્તા નીચે કચડાતા લોકોને નિર્બળ અને માયાકાંગલા નિહાળ્યા. હિન્દુસમાજની એ અવદશા ઉપર દયાનંદજીના નેત્રોમાંથી અશ્રુધારા ચાલી.

દયાનંદજીને પ્રતીતિ થઇ કે હિન્દુસમાજના પાયા ખોદી રહેલા આ દાનવો સામે ઝઝુમવાને હજી વધારે મોટી તૈયારીઓની જરૂર છે. દયાનંદે એ તૈયારી માટે એકાંતવાસ સેવવા અને હજી યે આકરી તપશ્ચર્યા કરી વધારે શક્તિશાળી બની બહાર પડવા નિશ્ચય કર્યો. દયાનંદજીએ પોતાના શિષ્યોને વિખેરી નાંખ્યા, અંગ ઉપરનાં વસ્ત્રો ઉતારીને ગરીબોને વહેંચી દીધાં, અને વિશેષ ત૫સાધના અર્થે માત્ર એક કૌપિનભર અરણ્યમાં ચાલી નીકળ્યા.