પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૫૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૧ ]

અસ્મિતા જાગ્રત કર્યા પછી મહર્ષિજીની દૃષ્ટિ મેવાડ અને મારવાડના હિન્દુ નૃપતિઓના મુલક તરફ ફરી ને પ્રજા ધર્મ સમજાવ્યા પછી મહર્ષિજીએ હવે રાજવીઓને રાજધર્મ બતાવવા મરુભૂમિનાં રાજસ્થાનો ઉપર ચડાઇ કરી. ૧૮૮૧ના માર્ચ મહિનાની ૧૦મી તારીખે મહર્ષિજી ચિતોડ પહોંચ્યા અને ધર્મોપદેશનો આરંભ કર્યો. મહર્ષિજીની વાણી સુણવા અસીન્દના રાવ અર્જુનસિંહજી, ભીલવાડાના ફતેસિંહજી, શાહપુરના મહારાજાધિરાજ નાહરસિંહજી, કાનુડાના રાવત ઉમેદસિંહજી, શાવડીના રાજા રાજસિંહજી વગેરે નરેન્દ્રોએ ચિતોડમાં પગલાં કર્યાં. ઉદયપુરના મહારાણાશ્રી પણ મહર્ષિજીનો ધર્મસંદેશ ઝીલવા ચિતોડ પધાર્યા અને એ દેવદૂતની અમૃતવાણી સાંભળી એના પગમાં મુગટ નમાવ્યો. ઉદયપુરપતિએ મહર્ષિજીને ઉદયપુર આવવા આગ્રહપૂર્વક પ્રાર્થના કરી.

મહર્ષિજી ખંડવા, ઇન્દોર, રતલામ વગેરે રિયાસતોમાં થઇ ઉદયપુર ગયા. મહારાણા સજ્જનસિંહજીએ મહર્ષિજીનું માનભર્યું સ્વાગત કર્યું. સજ્જનનિવાસ બાગમાં નિવાસ આપ્યો. મહારાણાશ્રીએ કુટુમ્બપરિવાર અને રાજમાન્ય પુરુષવર્ગ સાથે મહર્ષિજીનાં વ્યાખ્યાનોમાં નિયમિત હાજરી આપવા માંડી. પરિણામે એમણે મહર્ષિજીના સદુપદેશથી અનેક વ્યસનો ત્યાગ્યાં.

મહારાણાશ્રીની મહર્ષિજી પ્રત્યેની ભક્તિ દિન પ્રતિદિન એટલી વધતી ગઇ કે એક દિવસ મહારાણાએ મહર્ષિજીને ચરણે એકાન્તમાં એક વિનંતિ ધરી: 'ઉદયપુર રાજ્યે એકલિંગેશ્વર મહાદેવની પૂજાનો કુલધર્મ સ્વીકાર્યો છે: માટે આપ એ મૂર્તિપૂજાના ખંડનની વાત છોડી ઉદયપુરના રાજગુરુ બનો; એકલિંગેશ્વર મહાદેવના મંદિરની લાખોની સમૃદ્ધિ આપના પાંદાંબુજમાં ઠાલવું.' મહર્ષિજીએ હસીને જવાબ દીધો: 'મહારાણાજી, આપનું મંદિર અને આપની રિયાસત મને પરમાત્માની