પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૭૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૩]

તમારા પર પ્રહાર કરીને બદલો લઉં, એવી તમારી ઇચ્છા છે ખરી ?'

રાવનું મોં ઝંખવાણું પડ્યું.

'રાવ સાહેબ ! તમારા અત્યાચારથી ચીડાઈને હું તમારૂં બુરું ચિન્તવું નહિ. હું સંન્યાસી છું. જાઓ, પ્રભુ તમને સન્મતિ આપે !'

તલવારના બંને ટુકડા સ્વામીજીએ દૂર ફગાવી દીધા. રાવ વિદાય થઈ ગયા. આ ઉગ્ર ઘટના બની તે વેળા પચાસ માણસો સ્વામીજી પાસે બેઠા હતા. તેઓએ એવો આગ્રહ કર્યો કે રાવને અદાલતમાં ઘસડવા જોઈએ. સ્વામીજી કહે કે 'એ કદિ ન બને, એ બિચારા તો પોતાની ક્ષત્રિવટ ચૂકશે, પણ હું મારા બ્રાહ્મણત્વમાંથી શા માટે લથડું ?

'ભક્તજનોએ આવીને સ્વામીજીને વિનવ્યા કે લોકો આપની જીંદગી લેવા વારંવાર હુમલા કરે છે. તો આપ આંહી ઉધાડા સ્થાનમાં ન રહેતાં અમારા અંદરના ખંડમાં રહો.'

સ્વામીજી કહેતા કે 'ભાઈ ! અહીં તો તમે રક્ષણ કરશો; પણ હું બીજે જઈશ ત્યાં કોણ બચાવવાનું હતું? મને તો પ્રભુ જેવડો ચોકીદાર મળ્યો છે, મને કશો ભય નથી.”

એક દિવસ સભાની વચ્ચોવચ્ચ એક કાલિનો ઉપાસક બ્રાહ્મણ નશામાં ચકચુર થઈને આવ્યો અને ગાળો દેતાં દેતા સ્વામીજીની સામે પગરખું ફેક્યું, પગરખું તો સ્વામીજીને ન વાગતા વચ્ચે જ પડી ગયું, પણ ત્યાં બેઠેલા સાધુઓની આંખોમાં ખૂન ભરાઈ આવ્યું. તેઓ આ બ્રાહ્મણને પકડીને મારવા મંડ્યા. સ્વામીજીએ તેઓને અટકાવીને કહ્યું કે 'શા માટે ? મને કંઈ જ દુ:ખ નથી. અને કદાપિ જોડો મને વાગ્યો હોત તો પણ એ ક્યાં રામબાણ હતું ?'