પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૯૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૩ ]

પર ચડી ગયા છે અને 'સ્વામીજી ! ખસી જાઓ, ચડી જાઓ !' એવી ચીસ પાડે છે. વગર થડક્યે સ્વામીજી સીધા ને સીધા સાંઢની સામે ચાલ્યા ગયા. તદ્દન નજીક ગયા એટલે સાંઢ પોતાની મેળે રસ્તે છોડીને ગરીબ ગાયની માફક ચાલ્યો ગયો. લોકોએ આવીને પૂછ્યું કે 'મહારાજ, સાંઢ શીંગડે ચડાવત તો?'

'તો બીજું શું? શીંગડાં પકડીને દૂર ધકેલી દેત !'

જોધપુરમાં મહર્ષિજીએ મુસલમાન મતનું ખંડન ચલાવ્યું. તે સાંભળીને ફૈજુલાખાં નામના એક મુસ્લીમના રોમેરોમમાં જ્વાળા ઉઠી. રોષે ભરાઇને એ ગાજી ઉઠ્યો 'સ્વામી ! અત્યારે જો મુસલમાનોની રાજસત્તા હોત તો તમે જીવતા ન જાત.'

'ખાં સાહેબ !' સ્વામીજીએ ખાં સાહેબને ધીરેથી ઉત્તર દીધો, 'જો એવો અવસર આવે તો હું કદિ થરથરી ન જાઉં, કે ન તો ચુપચાપ બેઠો રહું પણ બે ચાર વીર રાજપુતોની પીઠ થાબડીને એવાં તો શૂરાતન ચડાવું કે મુસલમાનોના હોશ ઉડી જાય. ખબર છે ખાં સાહેબ ?'

ખીજે બળતા ખાં સાહેબે મુંગા રહેવું જ ઉચિત માન્યું.

ગંગાના ઉંડા જળમાં એક દિવસ સ્વામીજી લેટી રહ્યા છે. એવામાં તેમની લગોલગ થઈને એક મસ્ત મગરમચ્છ નીકળ્યો. કિનારેથી ભક્તજનોએ બૂમાબૂમ કરી મૂકી કે 'મહારાજ, ભાગજો ! મગર આવે છે.' લગારે ખસ્યા વગર સ્વામીજીએ મસ્ત દશામાં પડ્યા પડ્યા જવાબ દીધો કે 'કશી ફિકર નહિ કરતા. હું જો એને નથી સતાવતો તો પછી એ મને શા માટે છેડવાનો હતો?'