પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૯૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૫ ]
૧૦

એકવાર છ સાત અલમસ્ત મિત્રોએ જઇને સ્વામીજીને કહ્યું 'મહારાજ, આજ તો આપના પગ દાબવાના ભાવ થાય છે.'

સ્વામીજી સમજી ગયા. છોકરાઓ મારૂં શરીર-બળ માપવા માગે છે ! બોલ્યા 'પગ પછી દાબજો, પ્રથમ તો તમે બધા ભેળા મળીને મારા આ પગને ભોંય પરથી જરા ઉઠાવી જુઓ !'

સ્વામીજીએ પગ પસાર્યો. સાત આઠ યુવકો મંડ્યા જોર કરવા. પરસેવા નીતરી ગયા. પણ પગ ન ચસક્યો.

૧૧

'મહારાજ !' રાવળપીંડીના સરદાર વિકમસિંહજીએ કટાક્ષ કીધો, 'આપ કહો છો કે શાસ્ત્રોમાં બ્રહ્મચર્યનો બહુ મહિમા ગાયેલ છે. આપ પોતે પણ આપને અખંડ બ્રહ્મચારી કહેવરાવો છો; છતાં આપના દેહમાં એ વજ્રકછોટાનો એવો કશો પ્રતાપ તો અમે ભાળતા નથી !'

મહર્ષિજીએ તે વખતે તો એ સમસ્યાનો કશો ઉત્તર ન દીધો. એમનું રૂંવાડું યે ન ફરક્યું. લાંબી વાર સુધી સરદાર સાહેબની સાથે પોતે વાર્તાલાપ ચલાવ્યો. પછી જ્યારે નમસ્કાર કરીને સરદાર પોતાની ઘોડાગાડીમાં બેસી ગયા, ત્યારે મહર્ષિજીએ છાનામાના જઇને પાછળથી ગાડીને પકડી લીધી.

ડુંગર જેવડા ઘોડા ચસકતા નથી ! સરદાર ચાબૂક લગાવે છે. ફરી ફરી ચાબૂકના પ્રહાર કરે છે, પણ ઉછળી ઉછળીને ઘોડા થંભી જાય છે. ગાડી જાણે કે ધરતીની સાથે જડાઇ ગઇ છે. સરદાર જ્યાં પાછળ નજર કરે ત્યાં હનુમાનજતિ શા સ્વામીજીને હસતા જોયા. ગાડી છોડી દઇને સ્વામીજીએ કહ્યું 'હવે તો સમશ્યા ટળી ને ?'

વિસ્મય પામતા સરદાર ચાલ્યા ગયા.