આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઘણા શિકારીઓ, ગમત કરતા રેહ બહુ અહીં,
હજારો લોકોને, અડચણ સમાતાં અહીં નહિ.

અહીંયાંથી જોવે, ચકચકતી વ્હેતી નદી દૂરે,
પશુ કો જોવાં જે, અહીતહીં ચરે બેટ ઉપરે.
ઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના,
દિલે વાયુ લેવો, સુખ નવ હીણ લે કરમના.

ઘટા થાળાં લીધે, ઘણીક ફરવાને ગલી થઈ,
બખોલો બંધાઈ, રમણીય બહુ બેઠક બની;
નિરાંતે જેમાં તો, ખુશી થકી રમે લાલ લટોના,
નિરાંતે જેમાં તો, ખુશી થકી રહે જોગી જપમાં.

દીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં,
વળી રાતા ટેટા, ચૂસી બહુ જીવો પેટ ભરતા;
પડે બાજુએથી, બહુ ખુશનુમા રંગકિરણો,
નીચે ચળકે તડકે, બરફ સરખાં ઠારથી પડો.

ઠરી મારી આંખો, કબીરવડ તુને નીરખીને,
ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડી જાત્રા થઈ મને;
વિશેષે શોભે છે, ગભીર વડ તુંથી નરમદા,
કૃતાર્થી મોટો હું, દરશન વડે છું નરમદા